ભાદરવા શુદ આઠમ ને રવિવાર તા. ૩૧-૮-૨૦૨૫ નાં દિવસે રાધાઅષ્ટમી છે. આ દિવસે સાંજે ૫.૨૭ સુધી અનુરાધા નક્ષત્ર ઉત્તમ છે આ દિવસ શ્રી રાધાજી ના પ્રાગટય દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે હવેલીઓમાં શ્રીકૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી વિધિ વિધાનથી રાધા અષ્ટમીનો ઉત્સવ ઉજવાશે
શ્રી રાધાજી . ભાદરવા મહિનાની શુદ પક્ષ ની અષ્ટમી તીથી એ બપોરે અભિજિત મુહૂર્તમાં રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રકટ થયા હતા. શ્રી રાધાજીનું જન્મ સ્થળ બરસાના છે. તેમ માનવામા આવે છે શાસ્ત્રો પ્રમાણે શ્રી રાધાજી પ્રાણો ના અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી રાધાજીની પૂજા વગર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અધુરી છે. રાધાઅષ્ટમીનાં દિવસે મધ્યાન સમયે એક બાજોઠ ઉપર રંગીન કપડા ઉપર શ્રી રાધા કૃષ્ણની છબી રાખી અને કંકુ, ચોખા, અબીલ ગુલાલ, ફુલપધરાવી ધુપદિપ નૈવેધમાં મીઠાઈ અર્પણ કરી આરતી કરી પૂજા કરવી તથા શ્રી કૃષ્ણ ભગવાનનું કિર્તન કરવું. આ દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું. આમ રાધાષ્ટમીનું વ્રત પૂજન કરવાથી ઘરમાં મધુરતા આવે છે. વાણીમાં મધુરતા આવે છે. ઘરનાં સભ્યો સાથે સંપ વધે છે. અને રાધાજીના પૂજન થી લક્ષ્મીજી પણ ખુશ થાય છે આથી લક્ષ્મી પ્રાપ્તિના પણ યોગ બને છે. એ ઉપરાંત માનસિક શાંતિ મળે છે સંસારિક શાંતિ મળે છે
રાધા નામ જપ નું મહત્વ : રાધા નામ નુ મહત્વ એ છે કે સુખ સમૃદ્ધિ નુ પ્રતીક છે દરરોજ શ્રી રાધે કૃષ્ણ અથવા તો રાધે રાધે ના જપ કરવાથી જીવનમાં શાંતિનો અનુભવ થાય છે અને પ્રગતિ થાય છે મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે
( શાસ્ત્રી રાજદિપ જોષી વેદાંત રત્ન)