(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
કાલાવડ તાલુકાના નિકાવા ગામે નદીના સામા કાંઠે આંબાવાડીમાં ઘાસ કાપી રહેલી એક શ્રમિક મહિલા અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા મુજબ નિકાવા ગામના રસીકભાઈ નથુભાઈ વાજલીયા ની પત્ની સોનલબેન (ઉ.વ.૩૧) તા.૨૪ ઓગસ્ટના વાજલિયા બપોરના આશરે દોઢ વાગ્યાના અરસામાં નિકાવા ગામે નદીના સામા કાંઠે આવેલી આંબાવાડીમાં ઘાસ કાપી રહ્યા હતા. તે દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોનલબેન રસીકભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તેમના પતિ રસિકભાઈ વાજલીયાએ તા.૨૫ ઓગસ્ટના રાત્રે ફરિયાદ જાહેર કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકુદરતી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પો.સબ.ઇન્સ. સી.બી. રાંકજા ચલાવી રહ્યા છે.

