Gandhinagar,તા.૨૬
તાજેતરમાં ખાંડના વધતા ભાવ મુદ્દે રાજ્ય સરકારે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સરકાર પાસે ખાંડનો પૂરતો જથ્થો છે. રાજ્યમાં આગામી ૪ મહિના સુધી ચાલી રહે તેટલો એટલે કે અંદાજિત ૧૮ લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, રાજ્યની ૧૭ ખાંડ મિલો ૭૩ હજાર (ટન) પીલાણની ક્ષમતા ધરાવે છે અને આગામી ૧૫ ઓક્ટોબરથી નવું પીલાણ પણ શરૂ થઈ જશે જેથી પુરવઠો જળવાઈ રહેશે. નોંધનીય છે કે અગાઉ ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલે ૬૫૦૦ રૂપિયાથી પણ વધુ થઈ ગયા હતા, પરંતુ સરકારના સઘન પ્રયાસો અને સમયસર લેવાયેલા પગલાંના કારણે ખાંડના ભાવમાં ૩ હજાર રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખાંડ મિલો પાસે હાલ ૧૮ લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક છે, જે આગામી ચાર મહિના સુધી રાજ્યની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે. આ ઉપરાંત, રાજ્યના બે લાખથી વધુ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરીને મિલોને પહોંચાડે છે. ગુજરાતમાં કુલ ૧૭ ખાંડ મિલો આવેલી છે, જેની પીલાણ ક્ષમતા ૭૩ હજારની છે. આગામી ૧૫મી ઓક્ટોબરથી શેરડીનું નવું પીલાણ પણ શરૂ થઈ જશે, જેથી ભવિષ્યમાં પણ સપ્લાય ખોરવાશે નહીં.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખાંડના ઉત્પાદન અને ઇથેનોલને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે કે ગુજરાતની ખાંડ મિલો સીધી ખાંડમાંથી ઇથેનોલ બનાવતી નથી. રાજ્યમાં ઇથેનોલનું ઉત્પાદન માત્ર શેરડીના કૂચા કે ગોળની રસમાંથી જ કરવામાં આવે છે. તેથી, સીધો ઇથેનોલ બનાવવાની કોઈ વાત નથી અને તેનાથી ખાંડના જથ્થા પર કોઈ નકારાત્મક અસર પડતી નથી.
છેલ્લા કેટલાક સમયમાં ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રતિ ક્વિન્ટલ ભાવ ૬૫૦૦ રૂપિયાથી પણ વધુ ઉચકાયા હતા. જોકે, આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારના સઘન પ્રયાસોના કારણે ખાંડના ભાવમાં આશરે ૩૦૦૦ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. હાલમાં બજારમાં નવી લેવાલી પણ ખાસ નથી. સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાત પૂરતો ખાંડનો જથ્થો સુરક્ષિત છે, અને જનતાએ સહેજ પણ ગભરાવાની કે ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી.

