યુનિવર્સિટીએ ૧ લાખ વળતર અને ફી રિફંડનો વાયદો કર્યો, પરંતુ હજુ સુધી કોઈ ચૂકવણી થઈ નથી, અને મેનેજમેન્ટ ફોન ઉપાડતું નથી
Ahmedabad,તા.૨૬
અમદાવાદ સ્થિત દેશની અગ્રણી શિક્ષણ સંસ્થાઓ પૈકીની એક નિરમા યુનિવર્સિટીના નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ વર્ષના કાયદાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા ૩૫૦ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાલ ગંભીર સ્થિતિમાં મૂકાયા છે. લાખો રૂપિયાની ફી ચૂકવ્યા બાદ પણ નિર્ધારિત સમય કરતાં ત્રણ સપ્તાહથી વધુ સમય વીતી જવા છતાં ફિઝિકલ ક્લાસિસ શરૂ ન થતાં અને અધૂરી હોસ્ટેલના કારણે દેશભરમાંથી આવેલા પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મે મહિનામાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૪.૨૫ લાખ શૈક્ષણિક ફી લેવામાં આવી હતી, જે ૩૫૦ વિદ્યાર્થીઓ મળીને આશરે રૂ. ૧૫ કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત હોસ્ટેલ, મેસ અને લોન્ડ્રી ફી પણ અલગથી વસૂલવામાં આવી હતી.
શરૂઆતમાં ક્લાસિસ ૧૯ જુલાઈથી શરૂ થવાના હતા, પરંતુ ૧૦ માળની હોસ્ટેલ બિલ્ડિંગનું કામ બાકી હોવાનું જણાવી તારીખ લંબાવીને ૧ ઓગસ્ટ કરવામાં આવી.
૨૫ જુલાઈના રોજ યોજાયેલા ઓનલાઇન પ્રિ-ઓરિએન્ટેશનમાં મેનેજમેન્ટે ખાતરી આપી હતી કે ઓન-કેમ્પસ હોસ્ટેલ સંપૂર્ણ તૈયાર છે.
જ્યારે ૧ ઓગસ્ટે દેશભરમાંથી વાલીઓ ફ્લાઇટ અને ટ્રેનની મોંઘી ટિકિટો ખર્ચીને અમદાવાદ પહોંચ્યા ત્યારે સ્થળ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી.
૧૦ માળની હોસ્ટેલ ઇમારતમાંથી માત્ર ૪ થી ૫ માળનું જ સ્ટ્રક્ચર બન્યું હતું.
બિલ્ડિંગમાં વાયરિંગ, પ્લમ્બિંગ અને બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી.
ઉપરના માળે ભારે કન્સ્ટ્રક્શન ચાલતું હોવાથી મહાનગરપાલિકા દ્વારા ફરજિયાત મ્ેં પરમિશન પણ મળી શકે તેમ નહોતી.
મેનેજમેન્ટે વાલીઓના ફોન ઉપાડવાના બંધ કર્યા
કેમ્પસમાં ભારે હોબાળો થતાં મેનેજમેન્ટે બહાર પીજીની વ્યવસ્થા કરવા, બહારગામના વિદ્યાર્થીઓને થયેલા ખર્ચ પેટે રૂ. ૧ લાખનું એડ-હોક વળતર આપવા અને હોસ્ટેલ-મેસની ફી રિફંડ કરવાનો વાયદો કર્યો હતો. જોકે, દિવસો વીતવા છતાં એક પણ રૂપિયાનું વળતર ચૂકવાયું નથી અને હોસ્ટેલ ફી પણ અટકી પડી છે. વાલીઓનો આરોપ છે કે મેનેજમેન્ટ હવે ફોન ઉપાડતું નથી અને સંતોષકારક જવાબો આપવાને બદલે ટાળી રહ્યું છે.
શું યુનિવર્સિટીને વાલીઓ અને વિદ્યાર્થીઓને અમદાવાદ બોલાવતા પહેલાં જ ખબર નહોતી કે હોસ્ટેલ બિલ્ડિંગ પાસે માન્ય મ્ેં પરમિશન નથી?
જો વાલીઓએ સ્થળ તપાસ કરીને દરમિયાનગીરી ન કરી હોત, તો શું યુનિવર્સિટી ખરેખર યુવાન વિદ્યાર્થીઓને અધૂરી બિલ્ડિંગમાં રાખવાની તૈયારીમાં હતી?
યુનિવર્સિટી વાલીઓને રૂ. ૧ લાખનું વળતર ક્યારે ચૂકવશે અને હોસ્ટેલ શરૂ ન થઈ હોવાથી અગાઉથી વસૂલેલી હોસ્ટેલ, મેસ અને લોન્ડ્રી ફીનું રિફંડ ક્યારે પરત કરશે?

