એસ.ટી. નિગમની મહિલા કંડક્ટર બહેનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
Gandhinagar,તા.૨૬
રક્ષાબંધન અને આગામી તહેવારોની સિઝનમાં રાજ્યના નાગરિકો અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ય્જીઇ્ઝ્ર) દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરી સેવામાં મૂકવામાં આવી હતી. આ નવીન બસોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી દર્શાવીને (ફ્લેગઓફ) રવાના કરી હતી. આ પ્રસંગે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રવિણ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક અનોખો અને ભાવાત્મક દ્રશ્ય જોવા મળ્યો હતો, જ્યાં એસ.ટી. નિગમની મહિલા કંડક્ટર બહેનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ બહેનોના આ પ્રેમ અને સ્નેહ બદલ તેમને સામે વિશેષ ભેટ (ગિફ્ટ) આપીને આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર માનતાં જણાવ્યું હતું કે, આ નવી ૧૦૧ બસોમાં સ્લીપર કોચ, સાદી (એક્સપ્રેસ) અને મીડી બસોનો સમાવેશ થાય છે. આ નવી બસોમાં આરામદાયક પુશ-બેક સીટો અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોની મુસાફરી વધુ સુખદ બનશે.તહેવારો દરમિયાન નાગરિકોને રખડવું કે હેરાન ન થવું પડે તે માટે નિગમે રાજ્યભરમાં ૬,૫૦૦ જેટલા રૂટ પર એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવાનું આયોજન કર્યું છે. એસ.ટી. તંત્ર દ્વારા સતત નવી બસો ઉમેરીને નાગરિકો માટે સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

