Amreli ,તા.01
અમરેલી જિલ્લામાં સિંહોની વસતી અને સિંહ પરિવારોની અવરજવર સતત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો માનવ વસાહતો નજીક આવી ચઢતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે ભરબપોરે સિંહે બકરાનો શિકાર કરી લીધો હોવાનો વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
મળતી વિગતો મુજબ, આંબરડી ગામ નજીક પશુપાલકોના બકરાના ઝુંડ પર દિવસના સમયે અચાનક સિંહ ત્રાટક્યો હતો. સિંહે બકરાને નિશાન બનાવી તેનો શિકાર કર્યો હતો. આ દરમિયાન માલધારી દ્વારા બકરાને બચાવવા માટે બૂમાબૂમ કરવામાં આવી હતી. જોકે, સિંહે બકરાનો શિકાર કર્યા બાદ તેને પોતાના મોઢામાં પકડી ઝાડી-ઝાંખરા તરફ ઢસડી જવાનું શરૂ કર્યું હતું.
સિંહ દ્વારા બકરાનો શિકાર કરવામાં આવ્યો હોવાનો સમગ્ર ઘટનાક્રમ નજીકથી મોબાઈલ ફોનમાં કેદ થયો હોવાનું જાણવા મળે છે. વીડિયોમાં સિંહ શિકાર કરેલા બકરાને ઢસડીને ઝાડી-ઝાંખરા તરફ લઈ જતો નજરે પડે છે. ભરબપોરે ગામ નજીક સિંહે કરેલા શિકારના દૃશ્યો સામે આવતા લોકોમાં પણ સિંહની હાજરીને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઘટનાનો મોબાઈલ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાસ કરીને દિવસના સમયે સિંહ દ્વારા ગામ નજીક આવી બકરાનો શિકાર કરવામાં આવતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. સિંહની અવરજવર ધરાવતા વિસ્તારોમાં પશુપાલકો પોતાના પશુધનને લઈને વધુ સાવચેત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અમરેલી જિલ્લામાં ગીર વિસ્તારને અડીને આવેલા અનેક વિસ્તારોમાં સિંહોનું સતત આવાગમન રહે છે. સિંહો જંગલની સીમા ઓળંગી ગ્રામ્ય વિસ્તારોમાં આવી પશુઓનો શિકાર કરતા હોવાના બનાવો અવાર નવાર સામે આવે છે. આંબરડી ગામે બનેલી આ ઘટનાએ ફરી એક વખત અમરેલી જિલ્લામાં સિંહોની વધતી અવરજવર અને માનવ વસાહત નજીકના વિસ્તારોમાં વન્યપ્રાણી-માનવ સંઘર્ષના પ્રશ્નને ચર્ચામાં લાવ્યો છે.

