શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંતરત્ન)
શ્રાવણ વદ છઠ્ઠ ને બુધવાર ૨ સપ્ટેમ્બર આ દિવસે રાંધણ છઠ્ઠ છે. રાંધણ છઠ્ઠ નો તહેવાર શીતળા સાતમ ને અનુલક્ષી ને મનાવવામાં આવે છેશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે આ તહેવારમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ટાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવે છે.
ચુલાનું પૂજન: અત્યારના જમાના પ્રમાણે જુના ચૂલા કે સગડી કોઈપણ ના ઘરે હોતા નથી આથી આધુનિક ગેસ ના ચુલાનું પણ પૂજન કરી શકાય છે રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, રૂના નાગલા ચુંદડી કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવું આમ ચુલા નું પૂજન કરવું. ઘણી જગ્યાએ ચૂલો ઠાર્યા પછી તેના ઉપર આંબાની ડાળ પણ મૂકે છે.જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દૈવતા સૂર્ય છે. સૂર્યમા અગ્નિતત્વ રહેલ છે. રસોઈમા પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને રસોઈ ઘરમા માતાજી અન્નપૂર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠ નું મહત્વ વધારે છે. રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે.
આ દિવસ ને હળછઠ્ઠ પણ કહેવામાં આવે છે આ દિવસે ખેડૂતો પોતાના ખેતીના ઓજાર ની પૂજા કરે છે
આ દિવસે કૃષ્ણ ભગવાનના મોટાભાઈ બલરામ જયંતિ પણ છે
ચૂલો ઠારવાનુ મુહુર્ત : ચોઘડિયા પ્રમાણે
સાંજે લાભ ૫.૨૮ થી ૭.૦૨
રાત્રે શુભ ૮.૨૮ થી ૯.૫૪
રાત્રે અમૃત ૯.૫૪ થી ૧૧.૨૦

