૧૦થી ૧૨ દિવસમાં જમીનની માપણી કરી દબાણો સામે કડક કાર્યવાહી કરાશે, અન્યથા ફરી આંદોલન અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૬ઃ
Amreli લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગૌચરની જમીન પરના કથિત દબાણોનો મુદ્દો ફરી ગરમાયો છે. ગૌચરની જમીન દબાણ મુક્ત કરાવવા માટે અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કરવાની ચીમકી આપનારા એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પશુપાલકો સાથે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રૂબરૂ મળી રજૂઆત કરતાં કલેક્ટરે ૧૦થી ૧૨ દિવસમાં જમીનની માપણી કરાવી દબાણો ઓળખી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની ખાતરી બાદ હાલ પૂરતું અર્ધનગ્ન આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ ૧૦ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ફરી આંદોલન શરૂ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લઈ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
નાથાલાલ સુખડિયાના જણાવ્યા અનુસાર દુધાળા ગામની ગૌચરની જમીનના સર્વે નંબર ૧૪૦/૧/અ અને ૧૪૦/બ અંગે છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવવામાં આવી રહી છે. તેમના આક્ષેપ મુજબ ધોળકિયા ફાઉન્ડેશન અને પદ્મશ્રી ધોળકિયા પરિવાર દ્વારા સરકારી ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગાયોને પીવાનું પાણી મળી રહે તે માટેના માર્ગ પર આડશરૂપ જાળીઓ લગાવવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ જમીનો દબાણમુક્ત કરી પશુઓ માટે ખુલ્લી કરવામાં આવે તેવી માંગ સાથે અગાઉ પણ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને કેન્દ્ર સરકારની ૧૦૦ ટકા કે ૮૦ ટકા ગ્રાન્ટમાંથી તૈયાર થયેલાં કામો પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હોવાનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. હકીકતમાં સરકારી ગ્રાન્ટમાંથી થયેલાં કામો પર સરકારની ગ્રાન્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે પશુપાલકો સાથે કલેક્ટરને મળીને રજૂઆત કરવામાં આવતાં કલેક્ટરે જમીન માપણી કરાવી કેટલી જમીન પર દબાણ છે તેની ઓળખ કરવામાં આવશે અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ સહિતની કાયદાકીય જોગવાઈઓને આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હોવાનું નાથાલાલ સુખડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
હાલ તંત્રની ખાતરીને પગલે અર્ધનગ્ન આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જો કે, આગામી ૧૦ દિવસ સુધી તંત્રની કાર્યવાહી પર નજર રાખવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ફરી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે અને કાયદાકીય લડત માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.
હવે દુધાળાની ગૌચર જમીનના વિવાદમાં તંત્ર ખરેખર માપણી કરીને દબાણો દૂર કરવાની દિશામાં આગળ વધે છે કે પછી આંદોલનની ચીમકી અને વહીવટી ખાતરી વચ્ચે મામલો ફરી ઠંડો પડી જાય છે, તેના પર સૌની નજર મંડાઈ છે.

