રવિ પાક પર સિંચાઈનું સંકટ ઘેરાતાં છ ગામના ખેડૂતોની સૌની યોજનાનું પાણી છોડવા માંગ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૬ઃ
Amreli જિલ્લાના લાઠી તાલુકામાં ઓછા વરસાદના કારણે ગાંગડીયો નદીમાં પાણીનો સંગ્રહ ન થતાં રવિ પાકના વાવેતર બાદ ખેડૂતો સામે સિંચાઈનું મોટું સંકટ ઊભું થયું છે. કેરીયા સહિત આસપાસનાં છ ગામોના ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને બચાવવા હવે સૌની યોજનાના પાણીનો સહારો જરૂરી બન્યો છે. ત્યારે ગાંગડીયો નદીમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
લાઠી તાલુકાના કેરીયા ગામની ગાંગડીયો નદીમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીનું એક ટીપું પણ ન રહેતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગાંગડીયો નદીને ઊંડી અને પહોળી કરવા સાથે વિવિધ સ્થળોએ બંધારા બનાવવામાં આવ્યા છે. જોકે, વરસાદની અછતના કારણે નદીમાં પાણીનો સંગ્રહ થઈ શક્યો નથી. બીજી તરફ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી દીધું હોવાથી પાકને જીવંત રાખવા સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
આ અંગે કેરીયા ગામના અગ્રણી ખેડૂત મનીષભાઈ હરિભાઈ રાછડીયાએ જણાવ્યું હતું કે, ગાંગડીયો નદીનો સૌની યોજનામાં સમાવેશ હોવા છતાં લુણકી તરફથી છોડવામાં આવતું પાણી કેરીયા સુધી પહોંચતું નથી. જો યોગ્ય વ્યવસ્થા કરીને સૌની યોજનાનું પાણી ગાંગડીયો નદીમાં છોડવામાં આવે તો કેરીયા ઉપરાંત પીપરીયા, દેવળીયા, હડતાળા, ગોવિંદપરા અને વાંડલીયા સહિતનાં છ ગામોના સેંકડો ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળી શકે તેમ છે.
આ સમસ્યાને લઈને ગત તા. ૨૩ નવેમ્બરના રોજ ગ્રામજનો અને ખેડૂતોએ લાઠીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઓછા વરસાદ અને નદીમાં પાણીના અભાવે ખેડૂતોના રવિ પાક પર નુકસાનનું જોખમ ઊભું થયું હોવાથી તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂતોના મહામૂલા પાકને બચાવવા ગાંગડીયો નદીમાં સૌની યોજનાનું પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી છ ગામના ખેડૂતોની લાગણી અને માંગણી છે.

