Ahmedabadતા.૮
રવિવાર (૬ સપ્ટેમ્બર ૨૦૨૬) ના બપોરે ગાયક કિંજલ રબારીના અપહરણના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ઘટનાના સીસીટીવી ફુટેજ અને કિંજલનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં ગાયક કિંજલ રબારીએ જણાવ્યું હતું કે તેનું અપહરણ થયું નથી અને તે પોતાના પતિ અશોક ચૌધરી સાથે જતી રહી છે. આ સાથે કિંજલે કહ્યું હતું કે હું મારી મરજીથી મારા પતિ સાથે ગઈ છું. હવે આ મામલે અશોક ચૌધરીના વકીલે મહત્વનો ખુલાસો કર્યો છે.
કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતા. ત્યારબાદ રબારી અને ચૌધરી સમાજ આમને-સામને આવી ગયો હતો. આ ઘટના બાદ પરિવારજનો કિંજલ રબારીને પોતાના ઘરે લાવ્યા હતા. ત્યારબાદ કિંજલના લગ્ન સમાજના બીજા વ્યક્તિ સાથે કરાવી દેવામાં આવ્યા હતા.
રવિવારે બપોરે કિંજલ અમદાવાદના ચાંદખેડામાં આવેલા સીબીડી મોલમાં ફિલ્મ જોવા આવી હતી. ત્યારબાદ બપોરે એક કાળા કલરની કાર આવે છે અને તેમાં બેસી કિંજલ જતી રહે છે. ત્યારબાદ કિંજલનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેને પરપુરૂષને સોંપી દેવામાં આવી હતી. પરંતુ તે અશોક ચૌધરી સાથે જ રહેવાની છે.
આ અંગે કિંજલ રબારી અપહરણ મામલે અશોક ચૌધરીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કિંજલ રબારીના અપહરણની વાત ઉપજાવી કાઢેલી હતી. કિંજલે જ અશોક ચૌધરીને ફોન કરી બોલાવ્યો હતો અને તે પોતાની મરજીથી સાથે ગઈ છે. કિંજલે ફોન કરીને કહ્યું હતું કે તેના માતા-પિતાએ જે મુકેશ જોડે તેનો મૈત્રી કરાર કરાવ્યો હતો તે ત્રાસ આપતો હતો. કિંજલે ફોન કરી અશોકને બોલાવ્યો અને કારનો દરવાજો ખોલી બેસી ગઈ હતી.
તેમણે દાવો કર્યો કે અશોક ચૌધરી અને કિંજલ રબારીના લગ્ન કાયદેસર છે અને હજુ ચાલું છે. રાધનપુર કોર્ટમાં કિંજલના લગ્નને લઈને કેસ પેન્ડિંગ છે, જેમાં ૨૫ સપ્ટેમ્બરની તારીખ પડેલી છે. વકીલે જણાવ્યું કે જે રબારી સમાજના યુવક સાથે કિંજલના લગ્ન થયા તે ગેરકાયદેસર છે. કિંજલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી આ મામલે જાણ પણ કરી છે.

