ડ્રગ્સના નેટવર્કને નાથવા પ્રજાજનોને સાથે જોડાઈ જવા પોલીસની અપીલ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહેશે
Rajkot
રાજકોટ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા એસઓજી દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. એસઓજી દ્વારા એક ક્યુઆર કોડ જાહેર કરવામાં આવ્યો છે, જે કોડ સ્કેન કરી પ્રજાજનો ડ્રગ્સની હેરાફેરી અને સેવન કરતા શખ્સોની માહિતી પોલીસ સુધી પહોંચાડી શકશે. ડ્રગ્સ સામેની લડાઈમાં પોલીસને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલી, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા તરફથી ડ્રગ્સ નાબૂદી માટે કાર્યવાહી કરવાની સુચનના પગલે ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ એસઓજી પીઆઈ એન.બી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અને જનભાગીદારી અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. ડ્રગ્સની હેરફેર, વેચાણ કે અન્ય કોઈ પણ ગેરકાયદેસર ડ્રગ્સ પ્રવૃત્તિ અંગેની માહિતી સામાન્ય નાગરિકો પોલીસ સુધી સરળતાથી અને ઝડપથી પહોંચાડી શકે તે હેતુથી એક ખાસ ક્યુઆર કોડ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.રાજકોટ શહેરના જાગૃત નાગરિકો પોતાના મોબાઈલથી આ ક્યુઆર કોડ સ્કેન કરીને ડ્રગ્સ સંબંધિત કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી સીધી પોલીસને સબમિટ કરી શકશે.
આ અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોલીસ પ્રશાસન દ્વારા સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે કે ડ્રગ્સ વેચાણ, સંગ્રહ કે નશાકારક પ્રવૃત્તિઓની માહિતી આપનાર કોઈપણ નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. નાગરિકો કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વિના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પોલીસને જાણ કરી શકે છે અને રાજકોટને ડ્રગ્સ મુક્ત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે છે.
વધુમાં એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસને બાતમી આપવી તે એક લોકોમાં ભય રહેલ હતો. જેથી એસઓજીની ટીમે ખાસ અલગ ટેકનોલોજીથી જ સિસ્ટમ ડેવલોપ કરી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ અંગેની માહિતી આપશે તો તેનું નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી સહિતની કોઈપણ વસ્તુ અંગે પોલીસને પણ જાણ નહીં થાય. તેમજ ડ્રગ્સ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના પરિવાર, આવનારી યુવા પેઢી અને સમગ્ર સમાજના ભવિષ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેથી ડ્રગ્સના દૂષણ સામેની આ લડાઈમાં પોલીસની સાથે જોડાઈ શહેરને વધુ સુરક્ષિત અને વ્યસનમુક્ત બનાવવા માટે નિર્ભય બની સહયોગ આપવા માટે ખાસ અપીલ કરાઈ છે.

