પેટા ફેસબુકમાં જાહેરાત જોઈ લોન લેવા જતાં વેપારી છેતરાયા બે શખ્સોએ અલગ અલગ ફીના બહાને નાણાં પડાવી લીધા, સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો
Rajkot
જાગનાથ પ્લોટમાં રહેતાં ટેકસટાઇલના ધંધાર્થી સાથે રિલાયન્સ ફાયનાન્સ અને ધાની ફાયનાન્સના નામે રૂ. ૧૩.૦૧ લાખનું સાયબર ફ્રોડ આચરી લેવામાં આવ્યું હતું. ફેસબુકમાં જાહેરાત જોઈ લોન લેવા જતાં વેપારી પાસે સાયબર ચાંચિયાઓએ અલગ અલગ ચાર્જ પેટે નાણાં ખંખેરી લેવામાં આવ્યા હતા.બનાવ અંગે યાજ્ઞીક રોડ પર જાગનાથ પ્લોટ શે.નં. ૪ માં રહેતાં રીશભભાઇ સતિષભાઈ સંઘવી (ઉ.વ.૩૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ મોબાઈલ નંબરના ધારક અને બેંક એકાઉન્ટ ધારકના નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વાંકાનેર મેઇન બજારમાં રીશભ ટેકસટાઇલ નામની કારખાનુ રાખી વેપાર કરે છે. ગઇ તા.૨૧/૦૮/૨૦૨૬ ના તેઓ ફેસબુકમાં રીલ્સ જોતા હતા. ત્યારે રિલાયન્સ ફાયનાન્સ તથા ધાની ફાયનાન્સની લોન માટેની જાહેરાત જોયેલ હતી. તેમાં એપ્લાય લોનના બટન ઉપર કલીક કરતાં બીજા દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે, તે રિલાયન્સ ફાયનાન્સના કર્મચારી સંતોષ નાયર હોવાની ઓળખ આપી તમે લોનની એપ્લાય કરેલ છે, જેથી યુવાને ૧૫ લાખની લોનની વાત કરેલ હતી.
જેમાં પ્રોસેસીંગ ફી ભરવા જણાવી વોટસએપમાં એક કયુ.આર. કોડ મોકલેલ હતું. જેમાં ૮,૫૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા રૂપીયા ટ્રાન્સફર કરેલ હતાં. થોડી વાર બાદ ફરી ફોન આવેલ કે, એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ ડ્યુટીના ૧૨,૫૦૦ ટ્રાન્સફર કરવાનું જણાવતા ફરી ઓનલાઈન રૂપીયા ટ્રાન્સફર કરેલ હતાં. બાદ રીલાયન્સ ઈન્શ્યોરન્સના કરાવાના બહાને ૧૮,૯૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા તે પણ ટ્રાન્સફર કરેલ હતાં. તેઓએ એલ.આઇ.સી.નો વીમો ભરેલની પહોંચ વોટસએપ મારફત મોકલેલ હતી. બાદ જીએસટી સર્ટીફીકેટના ૨૮,૫૦૦ ટ્રાન્સફર કરવા જણાવતા તે રૂપીયા પણ ટ્રાન્સફર કરેલ હતાં.
બાદ રીઝર્વ બેંકના કોમર્શીયલ ટેક્ષ ડીપાર્ટમેન્ટનો ચાર્જ ૪૨,૫૦૦, ટી.ડી.એસ. ડીપાર્ટમેન્ટનો ચાર્જ ૫૨,૫૦૦, એનઓસીના રૂ.૬૫ હજાર ભરવાનું કહેતાં તે રકમ પણ ટ્રાન્સફર કરેલ હતાં. જે રિલાયન્સ ફાયનાન્સમાં કુલ રૂ.૯.૩૩ લાખ ટ્રાન્સફર કરેલ હતાં.
તેમજ તા.૨૪/૦૮/૨૦૨૬ ના અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલ કે, ધાની ફાયનાન્સમાંથી અભીષેક મંડલ હોવાની ઓળખ આપી જણાવેલ કે, તમે લોન એપ્લાય કરેલ છે, જેથી યુવકે રૂ.૧૫ લાખની લોનની જરૂર હોવાનું જણાવેલ અને તેને પ્રોસેસીંગ ફી ભરવાનું કહી પ્રથમ ૫,૨૫૦, લીગલ ચાર્જીસ તથા ટી.ડી.એસ.નો ચાર્જ રૂ. ૧૫,૯૯૦ લ ટ્રાન્સફર કરેલ હતાં.
બાદ ગઈ તા.૨૫ ના તમારે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં ફંડ ટ્રાન્સફર કરવાનો ચાર્જ રૂ. ૫૫,૨૫૦ ટ્રાન્સફર કરેલ હતાં. તેમજ અલગ અલગ ચાર્જન નામે કુલ રૂ.૩.૬૭ લાખ ધાની ફાયનાન્સમાં ટ્રાન્સફર કરેલ હતાં. જે બંને ફાયનાન્સ પેઢીમાં કુલ રૂ.૧૩.૦૧ લાખ રોકાણ કર્યા બાદ વધું રૂપીયા માંગતા ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. યુવકે તુરંત જ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવતા પીઆઈ એમ.ડી. ગઢવી અને ટીમે તપાસ આદરી હતી.

