નોકરીમાંથી કાઢી નાખ્યાનો ખાર રાખી શબ્બીર સુમરાએ યુવાનને ડરાવી ગુગલ પેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું
શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી તેના સાળાએ પણ નાણાં ખંખેર્યા
Rajkot તા.૧૪ઃ
ગોંડલના પ્રમુખનગરમાં રહેતા યુવાનને ડરાવી-ધમકાવી અગાઉ સાથે નોકરી કરતા શખ્સ અને તેના સાળાએ રૂ. ૪.૦૧ લાખની ખંડણી પડાવી લીધી હતી. નોકરીમાંથી કાઢી મુક્યાનો ખાર રાખી હું તારી માતા અને બહેનને ઉઠાવી લઈશ કહી બેલડીએ નાણાં પડાવ્યા હતા. બાદમાં શબ્બીરે દવા પી લીધી છે, હું પોલીસમાં તારૂ નામ આપી દઈશ કહી શબ્બીરના સાળાએ ખંડણી પડાવ્યા છે.મૂળ જૂનાગઢના માખીયાળા ગામના વતની અને હાલ ગોંડલના આશાપુરા ચોકડી નજીક પ્રમુખનગરમાં રહેતા ૨૮ વર્ષીય યુવાન સંદીપભાઈ કાનજીભાઇ રેવરે શબ્બીર સુમરા અને તેનો સાળો (બંને રહે.જુનાગઢ)નું નામ આપી જણાવ્યુ હતું કે,હું ભરૂડી ગામ પાસે આવેલ ઓરસન ટેકનોકાસ્ટ નામની કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરૂ છુ.
મારી સાથે શબ્બીર સુમરા કંપનીમાં નોકરી કરતો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આઠ માસ પહેલા શબીર સુમરાએ મારી સાથે ફોનમાં વાતચીત કરવાનુ શરૂ કરી કહેલ કે, તુ તારી રીતે પાછો કંપનીમા લાગી ગયેલ છો અને તે જ મને કંપનીમાંથી કઢાવી નાખેલ છે. હવે હુ તારી જીંદગી બગાડી નાખીશ. બાદ શબ્બીર મને અવાર નવાર ફોન કરીને ધમકાવતો હતો. તારી મમ્મીને અને બહેનને ઉપાડી લઇશ તેવી ધમકીઓ આપતો હતો. તા. ૩૧/૦૧/૨૦૨૬ ના રોજ મને ફોન કરીને શબીરના સાળાએ કહેલ કે, મારા બનેવી શબીરભાઈએ તારા લીધે દવા પી લીધેલ છે, કંઈ થશે તો તારુ નામ હુ આપી દઇશ તેમ કહી મને ધમકાવી મારી પાસે રૂ.૫૦ હજારની માંગણી કરેલ હતી. મે ભયમાં આવી મે શબ્બીરના નંબર લર ગુગલ પેથી તા.૩૧/૦૧/૨૦૨૬ ના રોજ બે કટકે રૂ. ૫૦ હજાર મોકલેલ હતા. કુલ રૂ.૨.૯૧ લાખ ગુગલ પે દ્વારા શબ્બીરભાઈના ખાતામાં રૂપીયા નાખેલ હતા.
શબ્બીર અવાર નવાર તારી બહેન અને માતાને ઉપાડી લઈશ કહી ધમકાવતો હોય જેથી હું પૈસા મોકલતો હતો. શબ્બીરએ મને ગઇ તા. ૩/૮/૨૦૨૬ ના રોજ કંપની પાસે બોલાવી મારી પાસે રોકડા રૂ.૪૫ હજાર લઇ લીધેલ હતા. ત્રીજા મહીનામાં મારી પાસેથી મને ડરાવી ધમકાવી કંપની નજીક રોડ ઉપર રૂ.૫૦ હજાર લઇ લીધેલ હતા. મારા લગન થયેલ તે વખતે હુ જુનાગઢ ગયેલો તે વખતે મારી પાસેથી રૂ.૧૫ હજાર પડાવી લીધેલ હતા. શબ્બીર સુમરા તથા તેના સાળાએ મળી શબ્બીરભાઇ પોતે દવા પીને મરી જાશે અને મારૂ નામ લખતો જાશે તેવી ધમકી આપી મને ડરાવી ઘમકાવી બળજબરીથી રૂ.૪.૦૧ લાખ પડાવી લીધેલ હતા.બંને શખ્સોએ અવાર નવાર ભય બતાવી ધમકાવીને યુવાન પાસેથી લાખોની રકમ પડાવી લીધા બાદ પણ સતત ધમકીઓ આપતાં અંતે યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખંડણી સહીતની કલમો હેઠળ શબ્બીર સુમરા અને તેના સાળા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી હતી.

