જીતુ પરમાર
Mangrol તા.૨૪ઃ
માંગરોળમાં પોલીસે એક રહેણાંક મકાનમાંથી ૪૦ કિ.ગ્રા. ગૌવંશનુ માંસ ઝડપી લઈ, છ અબોલ જીવોને બચાવી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર છે. પાંચેક દિવસ પહેલા ઝડપાયેલો માંસનો જથ્થો ગૌવંશનો હોવાના એફએસએલના રિપોર્ટ બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગત તા.૧૮ના રોજ ખાટકીવાડે નવાપરા વિસ્તારમાં હનિફ આમદ શેખ નામના ઈસમે પોતાના મકાનમાં ગૌવંશની કતલ કરી ગેરકાયદેસર ગૌમાંસનો જથ્થો રાખેલ છે એવી બાતમીને આધારે માંગરોળ મહીલા પીઆઈ એચ.કે.હુંબલ, એએસઆઈ અશોકભાઈ ડેર, હે.કો.રાકેશભાઈ રામ, જનકસિંહ સિસોદીયા, હરેશભાઈ મુછાળ, કો.જીજ્ઞેશભાઈ ચાવડા, મહિપતસિંહ કાગડા, હિરેનભાઈ ભરડા, જસ્મિતાબેન સહિતના પોલીસ સ્ટાફે રેડ કરી હતી. જ્યાં તપાસ કરતા મકાનના પ્લેટફોર્મ પર બે ફાયબર અને ચાર લાકડાના હાથા વાળી છરી, જુના ફ્રીઝમાં પશુઓની કપાયેલી ખરી અને ઉપરથી ચામડી કઢાયેલા રતાશ પડતાં હાડકું દેખાય તેવા છ પગ જોવા મળ્યા હતા. બાજુના રૂમમાં એક કાપડમાં માંસનો લોહી વાળો જથ્થો પડયો હતો.
આ ઉપરાંત રૂમમાં અને ખુલ્લી જગ્યામાં પાંચ થી છ માસની ઉમરના દોરડાથી બાંધેલા, ચારા પાણીની વ્યવસ્થા વિના રાખવામાં આવેલા કુલ ૬ પાડા મળી આવ્યા હતા. હનિફ આમદ શેખ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પશુઓના પગ સહિત ૪૦ કિ.ગ્રા. માંસ, છરી, કોયતા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અબોલ જીવોને મકતુપુર ગૌશાળામાં મોકલી આપ્યા હતા. વેટરનરી ડોક્ટરે પ્રાથમિક તપાસમાં માંસનો જથ્થો ગૌવંશનો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ માંસના સેમ્પલ એફએસએલમાં મોકલાયા હતા. ફોરેન્સિક લેબના રિપોર્ટમાં પણ ઝડપાયેલુ માંસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના આધારે પોલીસે પ્રાણી સંરક્ષણ અધિ., પ્રાણી ક્રુરતા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

