Amreli,તા.૯
અમરેલી જિલ્લામાં જમીન પચાવી પાડવાની એક મોટી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્રના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની અંદાજે ૪ હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે રાજુલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદને પગલે સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામ નજીક આવેલી જમીનને લઈને આ વિવાદ સામે આવ્યો છે. સર્વે નંબર ૧૧૬ પૈકીની અને નંબર ૫૩૭ તરીકે દર્શાવેલી અંદાજે ૪ હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના રહેવાસી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર ભરત માયાભાઈ ભમર (આહીર) દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં આરોપી તરીકે જેતુ વીરા ધાખડાનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, વર્ષ ૨૦૨૪થી આરોપીએ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. પોતાની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે ભરત ભમરે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
ફરિયાદના આધારે રાજુલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, ૨૦૨૦ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં જમીનના માલિકી હક્ક, કબજાની સ્થિતિ અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત સામે આવશે.

