ahmedabad,તા.૯
અમદાવાદમાં ચોરી અને સોનાના દાગીના પડાવી લેવાની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ભાડજની કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસમાંથી મોંઘા નળ અને વાલ્વ સહિત રૂ.૮.૬૪ લાખનો સામાન ચોરાયો છે. જ્યારે ઘાટલોડિયામાં જડતરકામ માટે આપેલા રૂ.૨૭.૬૦ લાખના સોનાના દાગીના લઈને કારીગર ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત, કાલુપુરના સોના-ચાંદીના વેપારી પાસેથી જડતરકામના બહાને રૂ.૪૮.૬૦ લાખના દાગીના લઈ વેપારીનો સંપર્ક બંધ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ સામે આવી છે.
સાણંદમાં રહેતા અને ભાડજની કન્સ્ટ્રક્શન સાઇટ પર સેલ્સનું કામ કરતા ૨૮ વર્ષીય ઉત્સવ શાહે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભાડજમાં આવેલી અલભ્ય કન્સ્ટ્રક્શનની નવી સાઇટ પર ૬ નવેમ્બરે સાંજે ૬ વાગ્યે તેમના શેઠ અનીસ પટેલ ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઉત્સવ શાહ ઓફિસે પહોંચ્યા ત્યારે સ્લાઇડર બારી ખુલ્લી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. અજાણ્યો શખસ બારીનો કાચ ખોલીને અથવા લોક તોડીને ઓફિસમાં ઘૂસ્યો હોવાની આશંકા છે.
ઓફિસમાં તપાસ કરતાં કોહલર કંપનીના બાથરૂમના નળ અને એસેસરીઝ ગાયબ હોવાનું જણાયું હતું. ચોરાયેલા સામાનમાં રૂ.૧.૧૦ લાખના ૨૨ મેન્યુઅલ વાલ્વ, રૂ.૧.૧૦ લાખથી વધુની ૨૪ વાલ્વ એસેમ્બલી, રૂ.૪.૬૩ લાખથી વધુના ૭ થર્મોસ્ટેટિક વાલ્વ, રૂ.૧.૨૯ લાખના ૭ શાવર આર્મ અને રૂ.૫૦,૪૦૦ના અન્ય ૧૪ વાલ્વનો સમાવેશ થાય છે. કુલ રૂ.૮,૬૪,૦૫૦નો સામાન ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી ઘટનામાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને ઘરેથી સોનાના દાગીનાનું જડતરકામ કરતા ૫૦ વર્ષીય રાજેશભાઈ વિરજીભાઈ પટેલે લક્ષ્મીનારાયણ મદનલાલ સોની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાજેશભાઈએ ૩૦ ઓક્ટોબરે ૧૮૪.૯૧૦ ગ્રામનો સોનાનો સેટ અને ૪૯.૫૦૦ ગ્રામની બુટ્ટીની જોડી જડતરકામ માટે લક્ષ્મીનારાયણને આપી હતી. ત્યારબાદ ૧ નવેમ્બરે ૧૯.૮૫૦ ગ્રામનું સોનાનું કુંદન અને ૨ નવેમ્બરે બીજા ૨૧.૭૯૦ ગ્રામના સોનાના પીસ પણ કામ માટે આપ્યા હતા.
૨ નવેમ્બરે રાજેશભાઈએ દાગીના પરત મેળવવા માટે લક્ષ્મીનારાયણને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તેઓ નિર્ણયનગરમાં આવેલા તેના ઘરે પહોંચ્યા ત્યારે ઘર બંધ હતું. અન્ય કારીગરો અને ઓળખીતા લોકો પાસે તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. ફરિયાદ મુજબ, લક્ષ્મીનારાયણ કુલ ૨૭૬.૦૫૦ ગ્રામ વજનના અને રૂ.૨૭,૬૦,૫૦૦ની કિંમતના સોનાના દાગીના પરત આપ્યા વિના ગાયબ થઈ ગયો છે.
ત્રીજી ઘટનામાં મણિનગરમાં રહેતા અને કાલુપુરમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા ૫૬ વર્ષીય નાબકુમાર ધોરાઈએ નવા વાડજની એસ.એસ. ઓર્નામેન્ટ્સ દુકાન સાથે સંકળાયેલા દિપેન અશોકભાઈ સોની, પાર્થ ઉર્ફે પરેશ જીગ્નેશભાઈ સોની અને ખુશ્બુ દિપેનભાઈ સોની સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, જડતરકામ માટે કારીગરની જરૂર હોવાથી તેમના મેનેજરે આ ત્રણેયનો સંપર્ક કરાવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૫માં આરોપીઓએ શરૂઆતમાં સોનાની વીંટીઓ અને અન્ય દાગીના બનાવી આપ્યા હતા અને બદલામાં ૨૪ કેરેટ સોનાના બિસ્કિટ આપીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વારંવાર લેવડદેવડ કરીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. લાંબા ગાળાના ધંધા માટે કરાર કરવાની વાત થતાં આરોપીઓએ વિશ્વાસની વાતો કરીને કરાર કરવાનું ટાળ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિપેને ૧૨ સેટ સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ૨૩ ડિસેમ્બરે ફરિયાદી પોતાના કારીગર સાથે ૩૩૨.૩૫૦ ગ્રામ વજનના ૬ સેટ આરોપીઓની દુકાને આપવા ગયા હતા. ત્યાં ખુશ્બુ સોનીએ કાચી રસીદ આપી હતી અને બીજા દિવસે સોનાના બિસ્કિટ આપવાનું જણાવ્યું હતું. એ જ દિવસે રાત્રે પાર્થ સોની કાલુપુરની દુકાને આવીને પેન્ડલ, મંગળસૂત્ર અને કાનની સેર સહિત બીજા ૧૪૩.૯૨૦ ગ્રામ સોનાના દાગીના લઈ ગયો હતો.ફરિયાદ મુજબ, અગાઉના બાકી હિસાબ સહિત કુલ ૪૮૬.૨૭૦ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત અંદાજે રૂ.૪૮,૬૦,૦૦૦ થાય છે, આરોપીઓ પાસે હતા. ૨૪ ડિસેમ્બરે વેપારીએ પેમેન્ટ માટે ફોન કરતાં આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને દુકાન પણ બંધ કરી દીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

