સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી, રેડ દરમિયાન ૨૫ શકુની ફરાર
રૂ.૧.૪૭ લાખ રોકડ, ૧૯ વાહન અને ૧૦ મોબાઈલ મળી રૂ.૩.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત
જીતુ પરમાર
Mangrol તા.૨૪ઃ
સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાન્ચને અંધારામાં રાખી સોરઠ પંથકમાં ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી હતી. આ દરોડા ને પગલે અનેક અધિકારીઓને પોલીસ કર્મચારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. માંગરોળ તાલુકાના સામરડા ગામે ચાલતા જુગાર અડ્ડા પર દરોડો પાડી, ૧૦ જુગારી પાડ્યા હતા જ્યારે ૨૫ જુગારીઓ વાહનો મુકી ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયા છે, અને પોલીસે સ્થળ પાર્ટી રૂ. ૩.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી.
ત્યારે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, માંગરોળના સમારડા ગામે રામદેવપીરના મંદિર પાસે આરોપીઓ ભરત લખમણ ગરેજા, દિલીપ ભૂરા ભુતીયા અને કરણ સોમાત વાસણ જાહેરમાં જુગાર રમાડી નાલ ઉધરાવે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ એ તપાસ કરી ખુલ્લી જગ્યામાં ઓટલા ઉપર ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી. પોલીસની આ રેડથી જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી જુગાર રમતા દિલીપ ભીમા વાસણ, વિવેક મના ભુવા, લખમણ મેરૂ મોકરીયા, ભરત સવદાસ બાલસ, ભાવેશ સવદાસ બાલસ, ભાવેશ ભીખુ મોકરીયા, રોહીત ભીમા મોકરીયા, ખમરા વજશી વાસણ, જયેન્દ્ર લખમણ જોરા અને રામા અરજણ મોકરીયાને ઝડપી લીધા હતા. જ્યારે જુગારધામના સંચાલકોની ભરત લખમણ ગરેજા, દિલીપ ભૂરા ભુતીયા, કરણ સોમાત વાસણ તેમજ જુગારીઓ અજીત ભરડા, વિનુ નાગા મોકરીયા, કાંતિ સરવૈયાસહિત ૨૫ શખ્સો નાસી જતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. ૧,૪૭,૧૦૦ની રોકડ, ૧૯ વાહનો તથા ૧૦ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩,૮૭,૧૦૦ નો મુદ્દામાલ મળી આવતા જપ્ત કર્યો હતો અને શીલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

