લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી
Botad, તા.૨૫
બોટાદ રૃરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમઢીયાળા ગામમાં ડિગ્રી વગર તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા એક બોગસ તબીબ (ઝોલાછાપ ડાક્ટર) ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી છે.મળતી માહિતી મુજબ, સમઢીયાળા ગામના સ્વામીનારાયણ મહિલા મંદિર વાળા ખાંચામાં એક ઈસમ કોઈપણ જાતની અધિકૃત મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પોતાને ડાક્ટર તરીકે ઓળખાવી ક્લિનિક ચલાવતો હતો.
બોટાદ રૃરલ પોલીસને આ અંગેની બાતમી મળતાં જ સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્લિનિક ચલાવતો ઈસમ વિમલ ધનજીભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૩, રહે. લાઠીદડ ગામ, બ્રાહ્મણની વાડી, તા.જી. બોટાદ) હોવાનું ખુલ્યું હતું.પોલીસે ક્લિનિકમાંથી તબીબી પ્રેક્ટિસ માટે ઉપયોગમાં લેવાતી દવાની ટીકડીઓ, ગ્લુકોઝના બાટલાઓ, સિરિંજ, નીડલ તથા સ્ટેથોસ્કોપ સહિત કૂલ રૃ. ૨૦,૧૫૩.૪૯ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોતે ડાક્ટર ન હોવા છતાં તબીબ હોવાનો દેખાવ કરી દર્દીઓની સારવાર કરતો હતો.વિમલ ચૌહાણ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૯(૨) તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

