ટેલિકોમ કંપનીએ શંકાસ્પદ સ્પામરની ઓળખ કરી અન્ય કનેક્શન પણ બંધ કરવાના રહેશે : અન્ય કંપનીઓને માહિતી આપવી પડશે
New Delhi, તા.૩૦
અનિચ્છિત Spam callથી પરેશાન મોબાઈલ ગ્રાહકોની તરફેણમાં ટ્રાઈએ તેના નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. યુઝર્સને ૩૦ દિવસનો પ્રી-પેઈડ પ્લાન આપવા ટેલિકોમ કંપનીઓને ફરજ પાડયા પછી હવે ટ્રાઈએ સ્પામ કોલ સામે લાલ આંખ કરી છે. ટ્રાઈના નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓની એઆઈ આધારિત સિસ્ટમ કોઈ કોલરને શંકાસ્પદ સ્પામર તરીકે ઓળખી કાઢે તો ગ્રાહકની ફરિયાદ વિના જ તેની સામે કાર્યવાહી કરી શકશે. સ્પામ કોલ મુદ્દે બે વખત નિયમોનો ભંગ થશે તો એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરાશે. ગ્રાહકોની સુરક્ષા વધારવા પર વિશેષ ધ્યાન આપતા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈએ છેલ્લા કેટલાક દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
ટેલિકોમ કંપનીઓને સામાન્ય યુઝર્સ માટે ૩૦ દિવસ માટેનો એક પ્લાન રજૂ કરવાની ફરજ પાડયા પછી હવે ટ્રાઈએ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ (ત્રીજો સુધરો) રેગ્યુલેશન્સ, ૨૦૨૬ જાહેર કર્યા છે, જેમાં એઆઈ-એમએલથી શંકાસ્પદ સ્પામ કોલની ઓળખ કર્યા બાદ કાર્યવાહીની નવી સિસ્ટમ બનાવી છે.હવે ટેલિકોમ કંપનીઓએ તેમની એઆઈ આધારિત મશીન લર્નિંગ બેઝ્ડ સિસ્ટમ કોઈ નંબરથી આવતા કોલને શંકાસ્પદ સ્પામ તરીકે ફ્લેગ કરે તો તુરંત કાર્યવાહી કરવાની રહેશે. કોઈ શંકાસ્પદ કોલ સામે ગ્રાહકોની ફરિયાદની રાહ જોયા વિના જ કાર્યવાહી કરવી પડશે. સ્પામ કોલ અંગે પહેલી ભૂલ પર ૧૫ દિવસ સુધી આઉટગોઈંગ બંધ રહેશે અને બીજી વખત નિયમોનો ભંગ કરવામાં આવતા એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરવાની જોગવાઈ છે.નવા નિયમો હેઠળ જે ટેલિકોમ કંપનીને કોઈ કોલ શંકાસ્પદ સ્પામ તરીકે મળે તો તેણે બે કલાકની અંદર એ કોલની માહિતી જેના નેટવર્કથી કોલ શરૂ થયો હતો તેને આપવાની રહેશે.
ત્યાર પછી ઓપરેટિંગ એક્સેસ પ્રોવાઈડરે એક દિવસની અંદર આ નંબર સંબંધિત સેન્ડરની કેવાયસીની ઓળખ કરવાની રહેશે ત્યાર પછી અન્ય ટેલીકોમ ઓપરેટર્સ પણ તેમની સિસ્ટમમાં તપાસ કરશે કે છેલ્લા ૧૦ દિવસમાં આ શંકાસ્પદ સેન્ડર સંબંધિત અન્ય કનેક્શન છે કે નહીં. ગંભીર કેસોમાં કાયદાકીય એજન્સીઓને પણ ફરિયાદ કરી શકાશે.એાઈ સિસ્ટમ મારફત નિયમનો ભંગ પકડાશે તો સિમ, પીઆરઆઈ અને એસઆઈપી ટ્રંક જેવા સેન્ડરના બધા જ ટેલિકોમ રિસોર્સ એક વર્ષ માટે બંધ કરાશે. જોકે, આવી વ્યક્તિને એક ફોન નંબર રાખવાની મંજૂરી અપાશે, જેની સામાન્ય આઉટગોઈંગ સેવા બંધ રહેશે. આ નંબરથી માત્ર ઈમર્જન્સી સેવા માટે કોલ કરી શકાશે.નવા નિયમો તબક્કાવાર લાગુ કરાશે, જેની પ્રક્રિયા નોટિફિકેશન બાદ ૩૦થી ૯૦ દિવસ વચ્ચે પૂરી કરાશે.

