(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
જામનગરના ખંભાળિયા નાકા પાસે મીરાદાતાર દરગાહ નજીક ઈંડા કરીની રેકડીએ જમવાના બિલ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, દી-પ્લોટ વિસ્તારમાં રહેતા અને બારી-દરવાજાનો વેપાર કરતા ચીરાગભાઈ વિજયભાઈ કટારમલ (ઉ.વ.૨૪) તા.૨૭ સપ્ટેમ્બરના રોજ રાત્રે પોણા ત્રણેક વાગ્યે મિત્ર લેખરાજ કાલવાણી અને હર્ષ ચાંદ્રા સાથે મીરાદાતાર દરગાહ પાસે ઈંડા કરીની રેકડીએ જમવા ગયા હતા. દરમિયાન નાઝીર ઉર્ફે નાઝલો નુરમામદ ધોધા તથા તેની સાથેના ઇરફાન કાસમ ખીરા, સાહીદ સલીમભાઈ મથુપોત્રા અને મોહમદહુશેન ઉમરભાઈ ધોધા પણ ત્યાં જમવા આવ્યા હતા.આ દરમિયાન ફરિયાદીનો મિત્ર દીપક જમનાદાસ જેઠવાણી અને જીગ્નેશ ખીંચડા પણ ત્યાં આવ્યા હતા. રાત્રે આશરે ત્રણ વાગ્યે નાઝીરે દીપકને મને જોઈને કેમ મોઢું ફેરવે છે? કહી પોતાના બિલના પૈસા ચૂકવવા જણાવ્યું હતું. દીપકે બિલ ભરવાની ના પાડતાં નાઝીરે તેને ગાળો આપી ઝાપટા મારવાનું શરૂ કર્યું હતું.
આ સમયે ઇરફાને પ્લાસ્ટિકનું ટેબલ ઉપાડી ફરિયાદી ચીરાગભાઈના ડાબા હાથમાં ટેબલનો ઘા માર્યો હતો. સહીદે પણ ટેબલ ઉપાડી દીપકના વાસાના ભાગે ઘા માર્યો હતો. જ્યારે મોહમદહુશેને પોતાની પાસે રહેલી ચાવી વડે ફરિયાદીના વાસાના ભાગે આડેધડ ઘા મારી મૂઢ ઇજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત નાઝીરે ફરિયાદી અને તેના મિત્ર દીપકને હવે પછી અહીં ફરકતા નહીં, નહીં તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. બનાવ સમયે સાથે રહેલા લેખરાજ અને હર્ષે બંનેને છોડાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી અને દીપક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં બંનેને બહારના દર્દી તરીકે સારવાર આપી રજા કરવામાં આવી હતી.આ બનાવ અંગે ચીરાગભાઈ કટારમલે નાઝીર સહિત ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

