આરોપી વેપારીઓને ચિલ્લરમાં રૂપિયા ૫ અને ૧૦ના સિક્કા આપવાનો ભરોસો આપતો હતો
Ahmedabad, તા.૯
શહેરમાં હોટલ અને લારી-ગલ્લાવાળાને રૂ. ૫ અને રૂ. ૧૦ના છૂટા સિક્કાની જરૂરિયાત ખૂબ પડતી હોય છે. આવા વેપારીને ટાર્ગેટ કરીને પરચુરણ લાવી આપવાનું કહીને વેપારી સાથે કુલ રૂ. ૪,૩૬,૦૦૦ની ઠગાઈ આચરનાર ચાલાક આરોપી વાલાભાઈ ઉર્ફે વિરાજ જયમલભાઈ રબારીની વસ્ત્રાલના તનમન ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી છે. તેણે બે વર્ષમાં ઓઢવ અને નિકોલ વિસ્તારમાં ૭ વેપારી સાથે આ પ્રકારે ઠગાઈ આચરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
મૂળ પાટણના શંખેશ્વર તાલુકાના કુવર ગામના વાલાભાઈ ઉર્ફે વિરાજ જયમલભાઈ રબારીની ઉંમર ૩૩ વર્ષ હોવાનું જણાવ્યું હતું. આરોપી વાલાભાઈ પાસે કોઈ કામધંધો ન હોવાથી તે શહેરના અલગ-અલગ વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને નાસ્તાના ગલ્લા ચલાવતા વેપારીને ટાર્ગેટ કરતો હતો. વેપારીને રોજિંદા કામકાજ માટે ચિલ્લરની જરૂરિયાત રહેતી હોવાથી તે વેપારીનો વિશ્વાસ જીતી રૂ. ૫ અને રૂ. ૧૦ના સિક્કા લાવી આપવાનું કહી તેમની પાસેથી મોટી રકમ મેળવી લેતો હતો. રોકડ રકમ મળ્યા બાદ તે ચિલ્લર આપ્યા વિના જ ત્યાંથી ફરાર થઈ જતો હોવાનું જણાવ્યું હતું.
અત્યાર સુધી આરોપીએ ૭ વેપારીને ટાર્ગેટ કરી છેતરપિંડી કરી હતી, જેમાં ૨ વર્ષ પહેલા નિકોલના ગાયત્રી ગાંઠિયાના માલિક પાસેથી રૂ. ૫૦,૦૦૦, ૧ વર્ષ પહેલા નિકોલ સદગુરુ ગાર્ડન પાસે અમૂલ પાર્લરના સંચાલક પાસેથી રૂ. ૨૦,૦૦૦, ૫ મહિના પહેલા ઓઢવ મનમોહન ચાર રસ્તા પાસે મની ટ્રાન્સફરની દુકાનમાંથી રૂ. ૧૬,૦૦૦, ૪ મહિના પહેલા નિકોલ કઠવાડા રાજવી ડાઇનિંગ હોલના માલિક પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦, ૨ મહિના પહેલા વિરાટનગર રોડ પર જય ભવાની કેટરર્સમાંથી રૂ. ૧,૦૦,૦૦૦, ૨ મહિના પહેલા ઓઢવ નવરંગ સર્કલ પાસે અક્ષય ગૃહ ઉદ્યોગના માલિક પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ અને ૨ મહિના પહેલા નિકોલ કાનબા હોસ્પિટલ પાસે પટેલ ફરસાણની દુકાનમાંથી રૂ. ૫૦,૦૦૦ મેળવી ફરાર થયો હોવાનું પણ ખૂલ્યું છે.આરોપી વાલાભાઈ ખાસ કરીને એવા વિસ્તાર પસંદ કરતો જ્યાં ખાણીપીણી, હોટેલ કે ફરસાણની દુકાન વધારે હોય. આવા વેપારીને રોકડ વ્યવહારમાં સતત નાના સિક્કાની જરૂર પડતી હોય છે. આરોપી પોતાને કોઈ ઓળખીતા કે બેન્ક/વેપારી પાસેથી મોટો જથ્થો ચિલ્લર અપાવી શકશે તેવો ઢોંગ કરી વેપારી પાસેથી રકમ પડાવી લેતો હતો.

