Ahmedabad, તા.૧૦
રોકાણ પર દર મહિને બે ટકા વળતર આપવાની અને બેથી ત્રણ વર્ષમાં નાણાં બમણાં કે ત્રણ ગણા કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે રૂ. ૧.૨૭ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો ખૂલ્યો છે. નિકોલમાં રહેતા રજનીકાંત પ્રભુભાઈ રામાણીએ આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી કંપનીના ચાર સંચાલકોએ અન્ય રોકાણકારો સાથે મળીને ફરિયાદી પાસેથી રૂ. ૧૦ લાખ સહિત કુલ ૧.૨૭ કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આક્ષેપ છે.ફરિયાદી રજનીકાંત રામાણીની ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૩થી આરોપીઓએ કંપની બનાવી હતી. કંપનીના સંચાલકો વિરાટ હસમુખભાઈ પરમાર, અલ્કેશપુરી ગણેશપુરી ગોસ્વામી, ભાર્ગવ દેવેન્દ્ર પંડ્યા અને ધર્મેશ ચૌહાણ રોકાણકારોને કંપનીમાં નાણાં રોકવા માટે પ્રેરતા હતા. રોકાણ પર દર મહિને બે ટકા વળતર આપવાની અને બેથી ત્રણ વર્ષમાં રોકાણની રકમ બમણીથી ત્રણ ગણી કરી આપવાની ખાતરી આપવામાં આવતી હતી. અન્ય રોકાણ વિકલ્પો કરતાં વધુ નફો મળવાની લાલચમાં અનેક લોકોએ કંપનીમાં નાણાં રોક્યાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓની વાતોમાં આવીને રજનીકાંત રામાણીએ કંપનીમાં રૂ. ૧૦ લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં તેમને વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ થોડા સમય બાદ વળતરની ચૂકવણી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ તપાસ કરતાં તેમની જેમ અન્ય ઘણા લોકોએ પણ કંપનીમાં નાણાં રોક્યાં હોવાનું અને તેમની પાસેથી પણ મોટી રકમ મેળવવામાં આવી હોવાનું જણાયું હતું. રજનીકાંત રામાણી સહિત અન્ય રોકાણકારોએ કુલ ૧.૨૭ કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, બાદમાં રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેમની મૂળ મૂડી પણ પરત કરવામાં આવી નહોતી. આ રીતે વિશ્વાસમાં લઈને નાણાં મેળવ્યા બાદ ચુકવણી નહીં કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે રજનીકાંત રામાણીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સબ ઇન્સ્પેક્ટર સિસોદિયાએ વધુ તપાસ આદરી છે.

