અમરેલીના ખાંભા પંથકમાં સિંહોનાં ટોળાંના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ,ખાંભાના આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ વિસ્તારમાં સિંહોની અવરજવરથી લોકોમાં ફફડાટ
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૫ઃ
અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ખાંભા પંથકમાં સિંહોની વધતી અવર જવર અને ટોળાં દ્વારા પશુઓ પર વારંવાર કરવામાં આવતા હુમલાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાંભાના
આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ આસપાસ સિંહોનાં ટોળાંના આંટાફેરા વધી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ત્યારે નવરાત્રિના તહેવાર અને ખેતીની મોસમ દરમિયાન પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોનાં ટોળાંને ગ્રામ્ય વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ ચાવડા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ જે. ચાવડાએ વનમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ગીર કાંઠાના ખાંભા ગામના આશ્રમપરા, જીવણવાડી અને મીતિયાળારોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોનાં ટોળાં વારંવાર આંટાફેરા કરી રહ્યાં છે. સિંહોની આ અવરજવરને કારણે પશુઓ પર હુમલાની ઘટનાઓ પણ બની રહી છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
વધુમાં રજૂઆત મુજબ, સિંહોનાં ટોળાંની સતત અવર જવરને કારણે લોકોમાં એટલો ભય વ્યાપ્યો છે કે, રાત્રિના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.બીજી તરફ હાલ નવરાત્રિના તહેવારની ઉજવણી તેમજ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ગ્રામજનોને વિવિધ કામો માટે ઘરની બહાર નીકળવું પડે છે. આવી સ્થિતિમાં સિંહોનાં ટોળાંનો સામનો થવાની શક્યતાને પગલે લોકોમાં ચિંતા વધી રહી છે.
તાજેતરમાં નજીકના ગામમાંથી સિંહ દ્વારા એક બાળક પર હુમલો કરી તેને ફાડી ખાવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામોના લોકોમાં પણ ભય વધ્યો છે. આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને માનવ જીવનની સુરક્ષા જળવાય તે માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
ખાંભા પંથકમાં સર્જાયેલી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સિંહોનાં ટોળાંને ગ્રામ્ય રહેણાક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા, પશુધનનું રક્ષણ અને ભવિષ્યમાં માનવ-વન્યજીવ સંઘર્ષની ગંભીર ઘટનાઓ અટકાવવા વન વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

