Air Marshal આશુતોષ દીક્ષિતે કારગિલ યુદ્ધથી લઈને ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સૈન્ય અભિયાનોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે
New Delhi, તા.૩૧
ભારતીય વાયુસેનાને નવા વડા મળ્યા છે. એર માર્શલ આશુતોષ દીક્ષિતે દેશના ૨૯મા એરફોર્સ ચીફ તરીકે પદભાર સંભાળ્યો છે. તેમણે એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનું સ્થાન લીધું છે. આશુતોષ દીક્ષિત પાસે લગભગ ચાર દાયકાનો સૈન્ય અનુભવ છે. કારગિલ યુદ્ધથી લઈને ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સૈન્ય અભિયાનોમાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. આ ઉપરાંત સ્વદેશી લડાકુ વિમાન તેજસના પ્રોજેક્ટને આગળ વધારવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. એર માર્શલ આશુતોષ દીક્ષિતનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૬૬ના રોજ થયો હતો. ૬ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ તેમને ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મળ્યું હતું. તેમણે નેશનલ ડિફેન્સ એકેડમી, બાંગ્લાદેશની ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે.
તેમને વિવિધ પ્રકારનાં વિમાનો ઉડાડવાનો ૩,૫૦૦ કલાકથી વધુનો અનુભવ છે. તેમણે મિરાજ-૨૦૦૦, મિગનાં વિવિધ મોડલ, કિરણ, જેગુઆર, ૈંન્-૭૮, હોક અને તેજસ જેવા વિમાનો ઉડાવ્યાં છે. તેઓ પ્રાયોગિક પરીક્ષણ પાઇલટ હોવાની સાથે લાયકાત ધરાવતા ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ છે.
Air Marshal આશુતોષ દીક્ષિતે પોતાની સૈન્ય કારકિર્દી દરમિયાન અનેક મહત્વપૂર્ણ અભિયાનોમાં જવાબદારીઓ નિભાવી છે. તેમના કાર્યકાળમાં ઓપરેશન સફેદ સાગર, ઓપરેશન રક્ષક અને ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સૈન્ય અભિયાનો અને કવાયતોનો સમાવેશ થાય છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમણે વાયુસેનાની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વાયુસેનામાં ઓપરેશનલ જવાબદારીઓ ઉપરાંત તેમણે વ્યૂહાત્મક આયોજન અને મહત્વપૂર્ણ કમાન્ડ સંભાળવાનો પણ લાંબો અનુભવ મેળવ્યો છે.
ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં આશુતોષ દીક્ષિતનું યોગદાન રહ્યું છે. વર્ષ ૨૦૨૩માં તેમણે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (ન્ઝ્રછ) તેજસ અને સ્વદેશી લડાકુ વિમાન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન વાયુસેનાની જરૂરિયાતો અનુસાર સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવા અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે વાયુસેનાના નવા વડા તરીકે તેજસ અને ભવિષ્યનાં લડાકુ વિમાનોના વિકાસમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.
વાયુસેનાના ઉપપ્રમુખ બનતાં પહેલાં આશુતોષ દીક્ષિતે હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફમાં ચીફ ઑફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ટુ ધ ચેરમેન, ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ સેન્ટ્રલ એર કમાન્ડના એર ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહત્વપૂર્ણ લડાકુ વાયુસેના સ્ટેશન અને દક્ષિણ વિસ્તારમાં આવેલા લડાકુ તાલીમ સ્ટેશનની કમાન્ડ પણ સંભાળી છે.
એર માર્શલ આશુતોષ દીક્ષિતને તેમની વિશિષ્ટ સેવા અને સૈન્ય યોગદાન બદલ અનેક પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે.
– ૨૦૦૬માં વાયુ સેના મેડલ.
– ૨૦૧૧માં વિશિષ્ટ સેવા મેડલ.
– ૨૦૨૩માં અતિ વિશિષ્ટ સેવા મેડલ.
– ૨૦૨૬માં પરમ વિશિષ્ટ સેવા મેડલ.
ભારતીય વાયુસેના હાલ આધુનિક યુદ્ધ ક્ષમતાઓ વધારવા, સ્વદેશી લડાકુ વિમાનોનું નિર્માણ અને નવી ટેક્નોલોજી અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવી સ્થિતિમાં એર માર્શલ આશુતોષ દીક્ષિત સામે વાયુસેનાને વધુ આધુનિક અને આત્મનિર્ભર બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. તેજસ પ્રોજેક્ટ, ભવિષ્યનાં લડાકુ વિમાનો અને હવાઈ સુરક્ષાની ક્ષમતાઓને મજબૂત બનાવવી તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ થઈ શકે છે.

