જેતપુરના નવાગઢમાં આવેલ રાજધાની ટ્રાન્સલોજીસ્ટિક પેઢીના મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટર કાપડની ૧૦૬ નંગ ગાંસડી ચાઉં કરી ગયા
જેતપુર ઉદ્યોગનગર પોલીસે બંને શખ્સોને સકંજામાં લઇ પૂછપરછ આદરી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ
Rajkot તા.૩ઃ
Rajkotના ટ્રાન્સપોર્ટરના જેતપુરના નવાગઢમાં આવેલ ગોડાઉનમાંથી મેનેજર અને કોમ્પ્યુટર ઓપરેટરે રૂ. ૫૧.૪૦ લાખની ગાંસડી ચોરી લીધી હતી. ટ્રાન્સપોર્ટર પુત્રે પોલીસ ફરીયાદ કરવાનું કહેતા ગઠીયાઓએ ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી બંને શખ્સો લને સકંજામાં લઇ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ આદરી હતી.
બનાવ અંગે રાજકોટમાં નાના મવા રોડ, નેહરૂનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં રહેતાં વિનુભાઇ ગીરધરભાઈ ગોંડલીયા (ઉ.વ.૬૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિતેષ મનજી રામાણી અને આદિલ ઈરફાન લુલાણીયા (રહે. બંને જેતપુર) નું નામ આપતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.ગોડાઉનમાં આઠ વર્ષથી મેનેજર તરીકે મિતેશ રામાણીને નોકરીએ રાખેલ હતા. જેમાં તેનું કામ ગોડાઉનમાં આવતા તમામ માલનો સ્ટોક ગોડાઉનમાં વ્યયસ્થિત રાખવાનું તથા જે પાર્ટીને માલની ડીલીવરી કરવાની થાય તે પાર્ટીઓને લોરી રીસીપ્ટ મળ્યા બાદ તેની ખાત્રી કર્યા બાદ માલની ડીલીવરી આપવાની રહેતી હતી. ગોડાઉનમાં ડોંબીવલી, બદલાપુર મહારાષ્ટ્રમાંથી જુદી -જુદી પાર્ટીઓની કાપડની ગાંસડીઓ કંપનીના બાંધેલા ટ્રક મારફત આવતી હતી. તેમજ ગોડાઉનમાં જાહીદ લુલાણીયા પણ કામ કરતા હતા.
ચાર મહિના પહેલા તેઓના દિકરા પંકજને લાલજીભાઈ મનજીભાઈ વાઘાણી (રહે. જેતપુર) એ જાણ કરેલ કે, તમારા ગોડાઉનમાંથી મેં મંગાવેલ માલ મને મળેલ નથી, તમારા માણસો મને ધક્કા કરાવે છે. જેથી પંકજ નવાગઢ અમારા ગોડાઉનમાં અવાર નવાર તપાસ કરવા જવા લાગેલ અને કામ કરતા મિતેશ તથા આદીલને તમે વેપારીની ગાંસડીઓ કેમ આપતા નથી ? તેઓની ગાંસડીઓ ક્યાં પડેલ છે ? તેવી પુછપરછ કરેલ હતી. જેથી બંને ગલ્લા તલ્લા કરી ખોટા બહાના બતાવવા લાગેલ. જેથી બંને વ્યક્તિઓ ઉપર શંકા જતા કોમ્પ્યુટરમાં ચેક કરતા તેમા સ્ટોક બરાબર બતાવતો હતો.જેથી ફીઝીકલ સ્ટોકની મજૂરો રાખી ગણતરી કરાવતા સ્ટોકના હિસાબમાં ઘટ આવતા બંનેને હિસાબ પુર્ણ કરી આપવા માટે બે-ત્રણ મહિના જેટલો સમય આપેલ હતો. તેમ છતા સ્ટોકનો હિસાબ બંનેએ આપેલ નહિ. જેથી પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ફરીયાદીનાં દિકરાને કોઈ અજાણ્યા નંબરમાંથી ધમકી પણ મળેલ હતી, તેની અરજી રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં કરેલ છે.
ત્યારબાદ પિતા-પુત્રએ ગોડાઉનમાં પડેલ કાપડની ગાંસડીના સ્ટોકની ફીઝીકલ ગણતરી કરતા જેમાં એ.વી.જી. ઈન્ડસ્ટ્રીઝ-મહારાષ્ટ્રની કાપડની ગાંસડીઓ કુલ ૨૪ રૂ.૧૦.૦૮ લાખ, શ્રી કિશાન ટેક્ષટાઇલ મીલ ડોંબીવલી- મહારાષ્ટ્રની કાપડની ગાંસડીઓ કુલ ૭૪ રૂ.૩૯.૨૨ લાખ, રૂમિત કોટન ફેબની ૩ ગાંસડી રૂ. ૧.૦૫ લાખ, પદમા એન્ટરપ્રાઈઝની ૫ ગાંસડી રૂ.૧.૦૫ લાખ મળી કુલ કાપડની ગાંસડી નંગ-૧૦૬ આશરે રૂ.૫૧.૪૦ લાખ થાય છે. જે બંને શખ્સો મળી ચોરી કરી જતાં ફરીયાદ નોંધાવી હતી. તે બનાવો અંગે પોલીસે ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી બંને શખ્સોને સકંજામાં લઈ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ આદરી હતી.

