એસઓજી ટીમે મચ્છી માર્કેટ નજીક આવેલ મકાનમાં દરોડો પાડી ૩.૮૧૬ કિલોગ્રામ ગાંજો કબ્જે કર્યો
Upleta તા.૩ઃ
Upletaના મચ્છી માર્કેટ નજીક આવેલ મકાનમાં રૂરલ એસઓજી ટીમે દરોડો પાડી રૂ. ૧.૯૦ લાખની કિંમતના ૩.૮૧૬ કિલો ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલાની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પીઆઈ એફ એ પારગીની ટીમ ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતી. દરમિયાન સ્ટાફના બાતમીદાર દ્વારા ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી કે ઉપલેટામાં એમ.ડી. સ્કૂલ પાસે આવેલ મચ્છી માર્કેટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો એક શખ્સ પોતાના કબજામાં ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખીને બેઠો છે.
બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભાડાના મકાનમાં રહેતા ઇમરાન ઉર્ફે જાવલો સીદ્દીકભાઈ કારવા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. મકાનની તલાશી લેતા લાકડાના કબાટમાંથી ખાખી સેલોટેપ વીંટાળેલા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા સ્થળ પર જ આ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવતા તે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું હતું. પોલીસે સ્થળ પરથી ૩ કિલો ૮૧૬ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, એક મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓ મળી કુલ રૂપિયા ૧,૯૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા તહોમતદારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ માદક પદાર્થ ઓરિસ્સા રાજ્યના બાલાસોર જિલ્લાના કાંગસા ગામના એક વ્યક્તિ પાસેથી ટ્રેન મારફતે ઉપલેટામાં છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હોવાનું કબૂલ્યું છે. આ પકડાયેલ ઇસમ વિરુદ્ધ અગાઉ પણ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

