ડિલિવરી આપી રાજસ્થાન નાસી જાય તે પૂર્વે સપ્લાયરને રેલવે સ્ટેશનેથી દબોચયો
Rajkot તા.૩ઃ
શહેરના એરપોર્ટ રોડ પરથી એસઓજી ટીમે રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. રિક્ષામાં ૪૯.૭૦ ગ્રામ ડ્રગ્સની હેરાફેરી કરતા બંને શખ્સોને દબોચી એસઓજી ટીમે રૂ. ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલિસની તપાસમાં રાજસ્થાની સપ્લાયર શિવરાજનો શ્યામલાલ નાયક નામનો માણસ કિસાનપરા ચોકમાં ડ્રગ્સની ડિલિવરી આપી ગયાનો ખુલાસો થયો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસે રેલવે સ્ટેશને દોડી જઈ વતન નાસી જાય તે પૂર્વે જ રાજસ્થાની સપ્લાયરને દબોચી લીધો હતો. રાજકોટ શહેરી વિસ્તારમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા તથા નાર્કોટિકસ પદાર્થનું ખરીદ-વેચાણ કે સેવન કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જે સૂચના અનુસંધાને એસઓજી પીઆઈ એન બી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શબીરરખાન મલેક, કરણભાઈ મારુ અને કોન્સ્ટેબલ રવિરાજભાઈ ધગલને સંયુક્ત રીતે હકીકત મળી હતી કે, રૂમીન મયુદ્દીનભાઈ જુણેજા અને સાહિલ શફીમિયા કાદરી નામના બે શખ્સો થોડીવારમાં સીએનજી રીક્ષા નં. જીજે-૨૩-ઝેડ-૯૬૭૩ લઈને એરપોર્ટ રોડ ઉપર જૈન દેરાસર પાસેથી નીકળવાના છે અને તેમના કબજામાં એમડી ડ્રગ્સનો જથ્થો છે.
જે હકીકત મળતા એસઓજીએ એરપોર્ટ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી રીક્ષા પસાર તથા તેને અટકાવી રિક્ષામાં હાજર બંને શખ્સોની અંગઝડતી કરતા તેમની પાસેથી રૂ.૧,૪૯,૧૦૦ ની કિંમતનો ૪૯.૭૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જેથી પોલીસે સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઈ કાદરી (ઉવ ૩૪ રહે. કનૈયા ચોક, રૈયા રોડ, રાજકોટ) અને રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજા (ઉવ ૨૬ રહે. વસીલા મજીલ, શિવપરા શેરી નં. ૪, રૈયા રોડ,રાજકોટ)ની ધરપકડ કરી એમડી ડ્રગ, મોબાઈલ, રીક્ષા મળી કુલ રૂ. ૩,૧૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એમડી ડ્રગ્સનો જથ્થો રૂમીન જુણેજાએ રાજસ્થાનના કોટામાં રહેતા શિવરાજ નામના શખ્સ પાસેથી મંગાવ્યો હતો.
જેનો સંપર્ક ઈરફાન ઉર્ફે રોમિયો હનીફભાઇ ચાનિયા (રહે. રાજકોટ)એ કરાવી આપ્યો હતો. જે ડ્રગ્સની ડિલિવરી આપવા શ્યામલાલ બાબુલાલ નાયક (રહે. કોટા, રાજસ્થાન) નામનો શખ્સ રાજકોટના કિસાનપરા ચોક ખાતે આવ્યો હતો. અહીં ડ્રગ્સની ડિલિવરી મેળવી સાહીલ અને રૂમીન બંને એરપોર્ટ રોડ તરફ જતાં જ એસઓજી ટીમે બંનેને ઝડપી લીધા હતા. રૂમીન જુણેજા રીક્ષા ચાલક સાહીલને રૂ. ૧૫૦૦ ભાડા પેટે આપવાની લાલચે ડ્રગ્સની હેરાફેરી કરવા લઇ ગયો હતો. રૂમીન વિરુદ્ધ અગાઉ મારામારી સહિતના બે ગુના નોંધાઈ ચુક્યા છે. મેફેડ્રોન ડ્રગ્સની તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી. જેથી પીઆઈ એચ પી ગઢવીની ટીમને માહિતી મળી હતી કે, કિસાનપરા ચોકમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલો શખ્સ રાજસ્થાન નાસી જવાની ફિરાકમાં છે અને હાલ તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે હાજર છે. જેથી તાત્કાલિક ગાંધીગ્રામ પોલિસની ટીમ રેલવે સ્ટેશને દોડી ગઈ હતી અને સપ્લાયર વતી કેરિયર તરીકે ભૂમિકા ભજવનાર શ્યામલાલ બાબુલાલ નાયકને ઝડપી લેવાયો હતો.

