Rajkot તા.૩ઃ
Rajkot મહાપાલિકા દ્વારા આગામી તા. ૭ના રોજ રેસકોર્સ રીંગ રોડ પર દર વર્ષની જેમ રંગોળી સ્પર્ધાનું કલાકારો સહિતની જનતા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રજીસ્ટ્રેશન ઓનલાઇન અને પુરો દિવસ રાખવામાં આવતા એન્ટ્રીનો ઢગલો થયો છે, આ કારણે પ્રથમ વખત સ્પર્ધકો નકકી કરવા ડ્રોથી નામ ફાઇનલ કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલ સવારે નોંધણી કરાવનાર લોકો તેમની પસંદગી થઇ કે નહીં તે ઓનલાઇન ચકાસી શકશે.
દિવાળી કાર્નિવલ અંતર્ગત ચિત્રનગરીના સહયોગથી આ રંગોળી સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાવાની છે. ગઇકાલે સવારે આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન લીંક ખોલવામાં આવી હતી. પ્રથમ વખત સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી સ્પર્ધકો નોંધણી કરાવી શકયા હતા.
તો સાંજે ચિત્રનગરીની ઓફિસે પણ રૂબરૂ નોંધણી થઇ હતી. આ રંગોલી સ્પર્ધામાં ભાગ લેવા માટેનો લોકોનો ઉત્સાહ એટલો હતો કે ૧.ર૦ કલાકમાં ૭૦૦થી વધુ નોંધણી થઇ ગઇ હતી. આ બાદ સાંજે ચિત્રનગરીની ઓફિસે અને રાત્રે ૧૦ સુધી ઓનલાઇન નોંધણી ચાલુ હતી. રાત્રી સુધીમાં ર૦૦ બોકસ સામે ૧૧૦૦ એન્ટ્રી થઇ જતા સંસ્થા દ્વારા મેયર અને મહાપાલિકા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં આજે સાંજે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને સ્પર્ધકો નકકી કરવા નિર્ણય લેવાયો છે.
આ અંગે ચિત્રનગરીના જીતુભાઇ કોટેચાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત વખતે પ૦૦ રંગોળી રાખવામાં આવી હતી. આ વખતે ૨૦૦ બોકસ છે. ગત વર્ષે વોટસએપ પર વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાઇ હતી. આ વખતે પુરો દિવસ રજીસ્ટ્રેશન ચાલુ હોવાથી ૧ર૦૦ જેટલી એન્ટ્રી આવી છે. આ વર્ષે કિસાનપરા ચોકથી મેયર બંગલા રોડ પર પરેડ સહિતના કાર્યક્રમ યોજવામાં આવેલા છે. રંગોળી માટેની જગ્યા થોડી ઓછી થઇ છે. છતાં બે બોકસ વચ્ચેનું અંતર ઘટાડીને ર૪૦ જેટલા બોકસ બનાવવા નકકી કરવામાં આવ્યું છે. લોકોનો ઉત્સાહ ખુબ દેખાયો છે.
મેયર ડો.નેહલ શુકલ સાથે ચર્ચા બાદ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને બોકસની સંખ્યા જેટલા સ્પર્ધકો નકકી કરાશે અને આવતીકાલે સવારે રજીસ્ટ્રેશન કરાવનાર નાગરિકોને લીંક પર જ જાણ થઇ જશે તેવી વ્યવસ્થા સંસ્થાએ કરી છે.

