હત્યા, ખૂનની કોશિશ, લેન્ડ ગ્રેબિંગ, લૂંટ, દારૂ-જુગાર સહીત ૫૧ ગુનામાં સંડોવાયેલા શખ્સને પીસીબી ટીમે અટકાયતમાં લઇ અમદાવાદ જેલ હવાલે કર્યો
Rajkot તા.૩ઃ
Rajkot શહેરમાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધોરાજીના કુખ્યાત અને લીસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.પી.સી.બી. પીઆઇ એમ.આર. ગોંડલિયાએ ઇંગ્લિશ દારૂના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલભાઇ ખુરેશી (ઉ.વ. ૪૩, રહે. ધોરાજી) સામે પાસા દરખાસ્ત તૈયાર કરી કમિશનરને મોકલી હતી.
આ દરખાસ્ત પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. પીસીબીની ટીમે આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને અમદાવાદ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.આરોપી બાબર ઉર્ફે સલીમ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ રાજકટના થોરાળા તથા ધોરાજી,માંગરોળ, અમદાવાદ સહિતના પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, રાયોટ, મારમારી, એન.ડી.પી.એસ. એક્ટ, લેન્ડ ગ્રેબિંગ એકટ, દારૂ- જુગાર સહિતના મળી ૫૧ ગુના નોંધાઇ ચૂકયા છે.

