ડીજીપી ઓફિસને ઉગતા પોરમાં જ ધમકીભર્યો ઇમેઇલ મળતા રાજ્ય ભરની પોલીસ એલર્ટ સઘન ચેકીંગ હાથ ધરાયું, કશું જ શંકાસ્પદ નહિ મળતા હાશકારો
Rajkot તા.૩ઃ
’૨૦૦૮ ને ભૂલશો નહિ, બિગ સરપ્રાઈઝ ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ’ આવાં શબ્દો સાથે આજે ઉગતા પોરમાં જ ડીજીપી ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. જે ઈમેલમાં રાજકોટ, અમદાવાદની સાબરમતી સહીત રાજ્યભરની જેલો, ડીજીપી ઓફિસ, કલેક્ટર કચેરી અને એક મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઇમેઇલ મળતાની સાથે જ ડીજીપી ઓફિસ દ્વારા રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસે અલગ અલગ પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું પણ કશું જ શંકાસ્પદ નહિ મળી આવતા તંત્રને હાશકારો થયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગર સ્થિત ડીજીપી ઓફિસને એક અત્યંત સંવેદનશીલ અને ધમકીભર્યો ઈમેઈલ મળતાં સમગ્ર રાજ્યના પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા આ ઈમેઈલમાં ડીજીપી ઓફિસ, કલેક્ટર કચેરી, એક મંદિર તેમજ રાજ્યની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી છે, સાથે જ તેમાં ‘‘૨૦૦૮ને ન ભૂલતા‘‘ તેવો ભયજનક ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યો મેઈલ સામે આવતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યની તમામ જેલો તેમજ મહત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલા સાથે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જેલ સત્તાધીશોને આ પ્રકારનો ધમકીભર્યો ઈમેઈલ મળતા જ વહીવટી તંત્રમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તુરંત જ સ્થાનિક પોલીસની ટીમો, ઉચ્ચ અધિકારીઓ તેમજ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડને સાબરમતી સહિત રાજ્યની મુખ્ય જેલો પર રવાના કરવામાં આવી હતી. જેલ પરિસરમાં ખૂણે-ખૂણે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી.
જેલોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આવતા-જતા વાહનો તથા શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન નજર રાખવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેઈલ કયા સ્થળેથી અને કોણે મોકલ્યો છે તે અંગે સાયબર ક્રાઈમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ અફવા ફેલાવનાર કે ધમકી આપનાર શખસ સુધી પહોંચી શકાય.
Rajkot જેલમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ઝીણવટભરી તપાસ
ડીજીપી ઓફિસને મળેલા ઇમેઇલને પગલે રાજ્ય આખાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટ શહેર એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પ્ર. નગર પોલીસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને ક્યુઆરટીની ટીમો તાત્કાલિક પોપટપરા સ્થિત મધ્યસ્થ જેલ ખાતે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા અહીં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ચેકીંગ દરમિયાન કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. જેથી પોલીસ સહીત સમગ્ર તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો હતો.

