Rajkot,તા.૪
રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સૌરાષ્ટ્રભરની જેલોમાં આજે પોલીસે ચેકિંગ કર્યું હતું. જો કે કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. રાજકોટની કલેક્ટર કચેરીમાં પણ તકેદારીના ભાગરૂપે પોલીસે ચેકિંગ કર્યું હતું. ત્યાંથી પણ કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું.
ડીજીપી કચેરીને ગુજરાતની જેલોને ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. જેમાં વધુમાં લખાયું હતું કે ડોન્ટ ફરગેટ ૨૦૦૮, નાઉ બિગ સરપ્રાઇઝ ફોર ઇન્ડિયન ગર્વમેન્ટ, વેઇટ એન્ડ વોચ. સાથોસાથ પાકિસ્તાન, ખાલિસ્તાન ઝીંદાબાદના નારા પણ લખાયેલા હતા. આ ઇમેઇલના પગલે સૌરાષ્ટ્રની એકમાત્ર રાજકોટની સેન્ટ્રલ જેલમાં એસઓજીની ટીમ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ક્યુઆરટી, ડોગ સ્કવોડ, સ્થાનિક પોલીસ સાથે પહોંચી ગઇ હતી.
જો કે બેરેકનું ચેકિંગ કરાયું ન હતું. જેલની પ્રિમાઇસીસ અને અંદરના ભાગે ચેકિંગ કરાયું હતું. બે કલાક સુધી આ ચેકિંગ ચાલ્યુ હતું. જેમાં કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. ધમકીભર્યા ઇમેઇલમાં ડીસીનો ઉલ્લેખ હોવાથી ડીસ્ટ્રીક્ટ કલેક્ટરની ઓફિસ સમજી રાજકોટની કલેક્ટર ઓફિસમાં પણ એસઓજીએ ડોગ સ્કવોડને સાથે રાખી ચેકિંગ કર્યું હતું. ત્યાંથી પણ કાઇ શંકાસ્પદ નહીં મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
જામનગર જિલ્લા જેલમાં પણ બે કલાક સુધી એસઓજી, એલસીબી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ વગેરે દ્વારા ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત ભીડભૅજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સિધ્ધનાથ મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ કરાયું હતું. જો કે ક્યાંયથી પણ કાંઇ વાંધાજનક મળ્યું ન હતું.
આ જ રીતે મોરબીની સબજેલમાં પણ સઘન ચેકિંગ કરાયું હતું. પોલીસની વિવિધ ટીમોએ સબજેલનો ખૂણેખૂણો તપાસ્યો હતો. અત્યાર સુધી કાંઇ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી.

