(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪ઃ
Jamnagar શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવા દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ધોડીપાસાના આધારે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન એક મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદ્દીનભાઈ અલીમિયાં સૈયદની ફરિયાદના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટિયા તથા ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી અને બાઈની વાડી આસપાસના વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન ફિરોજભાઈ હુસેનભાઈ ખફી સુમરા (ઉં.વ. ૫૦), એજાજભાઈ અહેમદભાઈ દેસરાણી (ઉં.વ. ૩૦), સાહિલભાઈ સીદીકભાઈ હિંગોળા (ઉં.વ. ૩૦), કલ્પેશભાઈ જેસંગભાઈ રાઠોડ (ઉં.વ. ૩૭), શબીરભાઈ અબાસભાઈ ખફી સુમરા (ઉં.વ. ૩૨), મહમદહુસેન અબાસભાઈ ખફી સુમરા (ઉં.વ. ૨૯), ગોપાલભાઈ કિશનભાઈ પરમાર (ઉં.વ. ૪૫) અને મંજુબેન જીણાભાઈ સાદિયા (ઉં.વ. ૪૯) મળી કુલ આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આબીદભાઈ હનીફભાઈ આંબલિયા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. ૬૩,૧૦૦, ધોડીપાસા નંગ-૨ તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૩,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ધોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડી નાલ ઉઘરાવી અંગત ફાયદા માટે જુગારધામ ચલાવતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ફરિયાદ એ.એસ.આઈ. આર.એ. જાડેજાએ નોંધી હતી.

