શહેરીજનોને ‘‘આતશબાજી’’ નિહાળવા ઉમટી પડવા આહવાન કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર
Rajkot તા.૪ઃ
Rajkot મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષ ભટ્ટ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.૦૬-૧૧-૨૦૨૬ થી તા.૦૮-૧૧-૨૦૨૬ દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ, ફૂડ ફેસ્ટિવલ અને ટેબ્લો કાર્નિવલ તથા ભવ્ય આતશબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, લેસર શો, રંગોળી સ્પર્ધા સહિતના વિશેષ આકર્ષણોનો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ તા.૦૬-૧૧-૨૦૨૬, શુક્રવાર, ધનતેરસના શુભ દિવસે સાંજે ૦૭૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય ‘‘આતશબાજી’’નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયરશ્રી ડૉ.નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે.


‘‘રંગીલું રાજકોટ’’ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને ‘‘રંગીલું’’ અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે.
આ ‘‘આતશબાજી’’ કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
જાહેર જનતાને ૧) બહુમાળી ભવન સામેના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી ૨) શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂરીયાત નથી.
રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષ ભટ્ટ દ્વારા શહેરીજનોને આતશબાજી કાર્યક્રમ નિહાળવા અને ઉમટી પડવા નિમંત્રણ પાઠવે છે.

