કમલેશ ઉર્ફે યોગો, વિજય અને અમિત ઉર્ફે હોજરીએ હુમલો કરતા ચીનાભાઈએ સારવારમાં દમ તોડ્યો, બનાવ હત્યામાં પલટાયો
બિમારી માટે લીધેલા ૬૦ હજાર ઉઘરાણી બની હત્યાનું કારણ થોરાળા પોલીસે ત્રણેય ભાઈની કરી ધરપકડ
Rajkot તા.૪ઃ
શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ કુબલિયાપરા શેરી નં. ૫ માં ગઈકાલે સાંજે મામા-ભાણેજ વચ્ચે ઉઘરાણીના મામલે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ત્રણ ભાઈઓએ છરી વડે પ્રૌઢ પર તુટી પડતા હુમલામાં ઘવાયેલા મામાએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકના સ્ટાફને થતાં હોસ્પિટલે દોડી જઈ લાશને પીએમ અર્થે ખસેડી અને નાશી છુટેલા હત્યારાને સકંજામાં લીધા છે.
વધુ વિગત મુજબ શહેરના થોરાળા મેઈન રોડ કુબલિયાપરા ચારબાઈ માતાજીના મઢ સામે મફતિયાપરામાં રહેતા ચીનાભાઈ હરિભાઈ જાડેજા નામના પ્રૌઢે કમલેશ ઉર્ફે યોગો રાજેશ પરમાર, વિજય રાજેશ પરમાર અને અમિત ઉર્ફે હોજરી રાજેશ પરમાર નામના શખ્સોએ છરી વડે હુમલો કર્યા અંગેની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચીનાભાઈ જાડેજાએ પોતાની બિમારીની સારવાર માટે ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશ પરમાર પાસેથી હાથ ઉછીના ૬૦ હજાર રૂપિયા લીધા હતાં. જે રકમની ભાણેજ દ્વારા અવાર નવાર ઉઘરાણી કરતા હતાં. અને મારી પાસે પૈસાની વ્યવસ્થા થશે એટલે હું આપી દઈશ તેમ જણાવતા જે અંગે ગત તા. ૨ ના સાંજે સાત કલાકે કુબલિયાપરામાં આવેલ ચંદ્રિકા પાન પાસે હું હતો ત્યારે મારો ભાણેજ કમલેશ ઉર્ફે યોગો પરમાર, વિજય રાજેશ પરમાર અને અમિત ઉર્ફે હોજરી પરમાર ત્રણેય ભાઈઓ આવી તમે ૬૦૦૦૦ હજાર રૂપિયા કેમ આપતા નથી તેમ કહેલ મારી પાસે પૈસાની સગવડ નથી અને સગવડ થશે ત્યારે હું તમારા બધા પૈસા આપી દઈશ.
જ્યારે બન્ને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં ઉશ્કેરાયેલા કમલેશ ઉર્ફે યોગો રાજેશે પોતાના પાસે રહેલી છરીથી હુમલો કરતા ચીનાભાઈ જાડેજા લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતાં. આ દરમિયાન પુત્રી સિમાબેન વિકાણી અને ભત્રીજી સરોજ ઉર્ફે કિર્તિ અને પત્ની સોભાબેન ત્યાં આવી જતાં ઉપરોક્ત ત્રણેય ભાઈઓ નાશી છુટ્યા હતાં અને ૧૦૮ ને જાણ કરતા જેમાં મને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે સારવાર દરમિયાન ચીનાભાઈ જાડેજાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવની જાણ થોરાળા પોલીસ મથકના સ્ટાફને થતાં હોસ્પિટલે દોડી ગયા હતાં. જ્યાં મૃતદેહનું પીએમ કરાવી લાશને પરિવારજનોને સોંપી હતી. જ્યારે નાશી છુટેલા ત્રણેય ભાઈઓને પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

