Colombo,તા.૧૩
શ્રીલંકાના નવા ટેસ્ટ કેપ્ટન કુસલ મેન્ડિસે વિરાટ કોહલી અને Joe Root જેવા દિગ્ગજોના ચુનંદા ક્લબમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. તેમણે રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે, તેમણે નવો ઇતિહાસ રચ્યો. મેન્ડિસે ૨૦૨ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને ૧૧૯ રનની શાનદાર ઇનિંગ રમી. વધુમાં, તેમણે અને ધનંજય ડી સિલ્વા (૧૬૭ રન) એ પાંચમી વિકેટ માટે ૨૪૯ રનની જંગી ભાગીદારી કરી, જેનાથી ટીમને શરૂઆતના પરાજયમાંથી બહાર આવવામાં મદદ મળી.
પાકિસ્તાનના પ્રથમ દાવના કુલ ૪૩૪/૯ ના જવાબમાં, શ્રીલંકાની ટીમ ૪૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે ટીમને ૧૨ રનની લીડ મળી. બીજા દિવસની રમતના અંત સુધીમાં, પાકિસ્તાને પોતાના બીજા દાવમાં ૧ વિકેટ ગુમાવીને ૫૭ રન બનાવી લીધા હતા. શ્રીલંકા તરફથી કમિન્ડુ મેન્ડિસે પણ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી. તે ૫૮ રન બનાવીને આઉટ થયો હતો. બાકીના શ્રીલંકાના બેટ્સમેન મેચમાં કોઈ ખાસ અસર કરવામાં નિષ્ફળ રહ્યા.
કુસલ મેન્ડિસ શ્રીલંકાના ઇતિહાસમાં ટેસ્ટ કેપ્ટન તરીકે ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેમની પહેલા ઘણા દિગ્ગજ બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ ૨૦૧૪ માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ કેપ્ટનશીપ ડેબ્યૂની બંને ઇનિંગ્સમાં સદી (૧૧૫ અને ૧૪૧) ફટકારી હતી. વર્તમાન ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ કેપ્ટનશીપ ડેબ્યૂમાં ૧૪૭ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડના જો રૂટે ૨૦૧૭ માં દક્ષિણ આફ્રિકા સામેની કેપ્ટનશીપ ડેબ્યૂમાં ૧૯૦ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે પણ ૨૦૧૪ માં ભારત સામેની પોતાની પહેલી કેપ્ટનશીપ મેચમાં સદી ફટકારી હતી.
શ્રીલંકાના કેપ્ટન કુશલ મેન્ડિસે પાકિસ્તાન સામે રમતી વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન પૂરા કર્યા. તે આ સીમાચિહ્ન હાંસલ કરનાર આઠમો શ્રીલંકન બેટ્સમેન બન્યો. શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૨૭,૭૫૭ રન બનાવ્યા હતા. તેમના પછી બીજા સ્થાને મહેલા જયવર્ધને (૨૫,૬૮૮ રન) અને ત્રીજા સ્થાને સનથ જયસૂર્યા (૨૦,૯૬૬ રન) છે. હવે, કુસલ મેન્ડિસ પણ આ શ્રેષ્ઠ યાદીમાં જોડાયા છે.

