Mastung,તા.૧૩
Pakistanના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. મસ્તુંગ જિલ્લામાં સુરક્ષા દળોની એક ચોકીને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ૫ સુરક્ષાકર્મીઓ સહિત કુલ ૮ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
આ હુમલો મસ્તુંગ જિલ્લાના કનક વિસ્તારમાં આવેલી કંદવાહ સુરક્ષા ચેકપોસ્ટ નજીક થયો હતો. અહેવાલ મુજબ, હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી ગાડીને ચેકપોસ્ટની બહારની દિવાલ સાથે અથડાવી હતી. ત્યારબાદ થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સુરક્ષા ચોકી ઉપરાંત આસપાસના રહેણાંક વિસ્તારોમાં આવેલા મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
વિસ્ફોટની અસરને કારણે નજીકમાં રહેતા બે મહિલાઓ અને એક બાળકના પણ મોત થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.હુમલા બાદ સુરક્ષાદળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો. અહેવાલ મુજબ, હુમલાખોરોનો હેતુ વિસ્ફોટ બાદ સુરક્ષા ઘેરો તોડીને સૈન્ય કેમ્પમાં પ્રવેશવાનો હતો. જોકે, સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક મોરચો સંભાળીને તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા.
જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ત્રણ વિદ્રોહીઓને ઠાર કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે સૈન્ય ચોકી પર કબજો મેળવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
હુમલા બાદ ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરક્ષાદળોએ કનક વિસ્તારને ઘેરી લઈને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગોળીબાર દરમિયાન ભાગી છૂટેલા સંભવિત હુમલાખોરોની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
બલૂચિસ્તાન લાંબા સમયથી અલગાવવાદી અને સશસ્ત્ર જૂથોની હિંસાનો સામનો કરી રહ્યું છે. સૈન્ય અને સુરક્ષા ચોકીઓને નિશાન બનાવતા હુમલાઓને કારણે પ્રદેશમાં સુરક્ષા પડકારો સતત વધી રહ્યા છે. મસ્તુંગની તાજેતરની ઘટના બાદ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ સામે હુમલાખોરોના નેટવર્ક અને તેમના સહયોગીઓ સુધી પહોંચવાનો વધુ એક પડકાર ઊભો થયો છે.

