Hamilton, તા.૯
ભારત સામેની પાંચ મેચની વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ ટીમ સિરીઝમાં ૦-૨થી પાછળ છે, તો બીજી તરફ ખેલાડીઓની ઈજાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અને બ્લેયર ટિકનર આગામી મેચોમાં ઉપલબ્ધ નહીં રહેતાં ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. ફર્ગ્યુસન જમણી પિંડળીમાં થયેલી ઈજામાંથી સંપૂર્ણ સાજો ન થતાં ચોથી અને પાંચમી વનડેમાંથી બહાર થયો છે. જ્યારે ટિકનરને બીજી વનડે દરમિયાન બેટિંગ કરતી વખતે હેલમેટ પર બોલ વાગતાં ફરજિયાત સાત દિવસ આરામ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા સોમવારે ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે જાહેરાત કરવામાં આવી હતી. ટિકનરના સ્થાને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ્ટિયન ક્લાર્કને ત્રીજી વનડે પહેલાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ ફર્ગ્યુસન ટી-૨૦ સિરીઝ દરમિયાન થયેલી જમણી પિંડળીની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો નથી. પરિણામે તે હવે બાકીની વનડે મેચોમાં રમી શકશે નહીં.
વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડે દરમિયાન બેટિંગ કરતી વખતે બ્લેયર ટિકનરના હેલમેટ પર બોલ વાગ્યો હતો. જોકે, તબીબી તપાસમાં તેને કન્કશન ન હોવાનું સ્પષ્ટ થયું છે. તેમ છતાં આઈસીસીના નિયમ મુજબ સાત દિવસનો ફરજિયાત સ્ટેન્ડ-ડાઉન સમયગાળો પૂર્ણ કર્યા બાદ જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકશે. આથી તે ત્રીજી અને ચોથી વનડેમાં ઉપલબ્ધ રહેશે નહીં.
ન્યૂઝીલેન્ડ માટે રાહતના સમાચાર એ છે કે ફાસ્ટ બોલર મેટ હેનરી ચોથી વનડેમાં વાપસી કરી શકે છે. ઓકલેન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન સાથી ખેલાડી ડેવોન કોનવે સાથે અથડાતાં હેનરીને માથામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તેને કન્કશન ન હોવાનું જણાવાયું હતું, પરંતુ ત્યારબાદ ફરી તપાસ કરવામાં આવતાં તેને ચોથી વનડે સુધીમાં ફિટ થવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
હેનરી અને કાયલ જેમિસન અગાઉ ત્રીજી વનડે બાદ ટેસ્ટ ટીમ સાથે જોડાવાના હતા, પરંતુ હવે બંને ચોથી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ સાથે રહેશે. પાંચ મેચની વનડે સિરીઝમાં ભારતે પ્રથમ બંને મેચ જીતીને ૨-૦ની સરસાઈ મેળવી છે. હવે ત્રીજી વનડે ૧૦ નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. ન્યૂઝીલેન્ડ માટે આ મેચ સિરીઝમાં ટકી રહેવા માટે અત્યંત મહત્ત્વની રહેશે. અગાઉ રમાયેલી પાંચ મેચની ટી-૨૦ સિરીઝમાં પણ ભારતે ૩-૨થી વિજય મેળવ્યો હતો.
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ અને નાથન સ્મિથ ત્રીજી વનડે બાદ ટેસ્ટ સિરીઝની તૈયારી માટે વેલિંગ્ટન જશે. આથી અંતિમ વનડે માટે ટીમની રચનામાં પણ ફેરફાર થવાની શક્યતા છે.
ત્રીજી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ :- મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, કાયલ જેમિસન, નિક કેલી, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ, નાથન સ્મિથ અને વિલ યંગ.
ચોથી વનડે માટે ન્યૂઝીલેન્ડની ટીમ :- મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, મિચ હે, મેટ હેનરી, કાયલ જેમિસન, નિક કેલી, ટિમ સેઇફર્ટ અને વિલ યંગ.

