સંકલનઃ સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
કારતક સુદ સાતમ તા.૧૬-૧૧-૨૦૨૬ સોમવારના પવિત્ર દિવસે ઉજવાતી સંતશિરોમણી પૂજ્ય Jalaram Bapaની જયંતી નિમિત્તે તેમના પાવન જીવન, ભક્તિ, સેવાભાવ, પરોપકાર અને જીવનકાળ દરમિયાન ભક્તોને થયેલા દિવ્ય પરચાઓનું સ્મરણ કરીએ.
ભારતની પવિત્ર સંતપરંપરામાં એવા અનેક મહાન સંતો થઈ ગયા છે જેમણે પોતાનું સમગ્ર જીવન પરમાત્માની ભક્તિ અને માનવસેવા માટે સમર્પિત કરી દીધું હતું. આવા મહાન સંતોમાં ગુજરાતની પવિત્ર ધરતી પર સૌરાષ્ટ્રના વીરપુરમાં પ્રગટેલા સંત શ્રી જલારામ બાપાનું સ્થાન અત્યંત શ્રદ્ધાપૂર્ણ અને વિશિષ્ટ છે. જલારામ બાપાનું સમગ્ર જીવન ભગવાન શ્રીરામ પ્રત્યેની અખંડ શ્રદ્ધા, ગુરુભક્તિ, નિઃસ્વાર્થ સેવા, અતિથિ સત્કાર અને ભૂખ્યાને ભોજન કરાવવાના મહાન સંકલ્પનું જીવંત ઉદાહરણ છે, તેમના જીવનમાં બનેલા અનેક પ્રસંગોને ભક્તો આજે પણ દિવ્ય પરચા તરીકે યાદ કરે છે. જલારામ બાપાના જીવનના પરચાઓ માત્ર ચમત્કારિક ઘટનાઓની કથાઓ નથી પરંતુ તેમાં માનવતા, સમર્પણ, ત્યાગ, વિશ્વાસ અને પરોપકારનો ઊંડો જીવનસંદેશ સમાયેલો છે.
સંતશ્રી Jalaram Bapaનો જન્મ રાજકોટ નજીક આવેલા વીરપુર ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાના જન્મ પહેલાં અયોધ્યાથી પધારેલા રઘુવીરદાસજી નામના એક મહાત્મા રાજબાઈના ઘરે આવ્યા હતા, રાજબાઈની સંતસેવા અને ભક્તિભાવથી પ્રસન્ન થઈ તેમણે આશીર્વાદ આપ્યા હતા કે તેમના ઘરે એક એવો પુત્ર જન્મ લેશે જે ભવિષ્યમાં ભગવાનનો પરમ ભક્ત બનશે અને સમગ્ર માનવજાતની સેવા કરશે. આ ભવિષ્યવાણી પ્રમાણે જલારામ બાપાનો જન્મ થયો. બાળપણથી જ તેમનામાં સાધુ-સંતો પ્રત્યે આદર-રામનામ પ્રત્યે પ્રેમ અને જરૂરિયાતમંદોની સેવા કરવાની ભાવના જોવા મળતી હતી.
જલારામ લગભગ પાંચ વર્ષના હતા ત્યારે એક અજાણ્યા સાધુ તેમના ઘરે પધાર્યા હતા. બાળક જલારામે સાધુનાં દર્શન કરતાં જ તેમનામાં આધ્યાત્મિક ભાવ જાગૃત થયો.સાધુના આશીર્વાદથી તેમના જીવનમાં ભક્તિનો પ્રવાહ વધુ પ્રબળ બન્યો અને તેઓ સતત ’સીતા રામ, સીતા રામ’નું સ્મરણ કરવા લાગ્યા. નાની ઉંમરથી જ તેમનું મન દુન્યવી સુખસગવડો કરતાં ભગવાનના ભજન-સંતસેવા અને પરોપકારમાં વધુ લાગતું હતું. આ પ્રસંગ આપણને સમજાવે છે કે સાચા સંસ્કારો અને સત્સંગનો પ્રભાવ બાળપણથી જ જીવનને આધ્યાત્મિક દિશા આપી શકે છે.
જલારામ બાપાના જીવનમાં ફતેહપુરના મહાન સંત ભોજલરામ બાપાનું વિશેષ સ્થાન હતું.જલારામ બાપાએ ભોજલરામ બાપાને પોતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. ગુરૂ ભોજલરામ બાપાએ તેમને રામનામનો મંત્ર અને માળા અર્પણ કરીને ભક્તિમાર્ગૅ આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. ગુરૂની આજ્ઞા અને આશીર્વાદથી જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું. સદાવ્રત એટલે એવું અન્નક્ષેત્ર જ્યાં ભૂખ્યા, ગરીબ, સાધુ-સંતો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે.આ સેવા પાછળ તેમનો એક જ ભાવ હતો કે કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. કોઈની જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાય કે સામાજિક સ્થિતિ જોયા વિના સૌને પ્રેમથી ભોજન કરાવવામાં આવતું.આ સદાવ્રત જ તેમના જીવનનું મુખ્ય ધ્યેય બની ગયું.
જલારામ બાપાના જીવનનો સૌથી પ્રસિદ્ધ પરચો વીરપુરના સદાવ્રત સાથે જોડાયેલો છે. બાપાના અન્નક્ષેત્રમાં દરરોજ અનેક સાધુ-સંતો અને યાત્રાળુઓ ભોજન કરવા આવતા. ક્યારેક ભોજન કરનારની સંખ્યા અપેક્ષા કરતાં ઘણી વધારે થઈ જતી છતાં કોઈને ભૂખ્યા પાછા ફરવું પડતું નહીં. ભક્તોની માન્યતા અનુસાર બાપાની અખંડ રામભક્તિ અને નિઃસ્વાર્થ સેવાથી સદાવ્રતમાં અન્નની ક્યારેય અછત સર્જાતી નહોતી. ગમે તેટલા મહેમાનો આવી જાય સૌને ભોજન મળી રહેતું. આથી ભક્તો આ ઘટનાને અક્ષય અન્નનો પરચો માને છે. કહેવાય છે કે બાપાના અન્નક્ષેત્રમાં ભગવાન શ્રીરામની કૃપાથી રસોડું હંમેશાં ધમધમતું રહેતું. આ પ્રસંગનો સાચો બોધ એ છે કે જ્યાં સેવા-સમર્પણ અને પરોપકારની ભાવના હોય છે ત્યાં અભાવ કરતાં સહયોગ અને સંતોષની ભાવના વધારે મહત્વ ધરાવે છે.
જલારામ બાપાના જીવનનો સૌથી હૃદયસ્પર્શી અને પ્રસિદ્ધ પરચો તેમની ધર્મપત્ની વીરબાઈ માતા સાથે જોડાયેલો છે. એક દિવસ એક વૃદ્ધ સાધુ જલારામ બાપાના ઘરે પધાર્યા. બાપાએ તેમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી સાધુએ કહ્યું કે હું વૃદ્ધ છું-અશક્ત છું અને મારી સેવા કરવા માટે કોઈની જરૂર છે. જો તમે મને તમારી ધર્મપત્ની વીરબાઈને મારી સેવા માટે સોંપો તો મારી યાત્રા સરળ બને, આ સાંભળીને જલારામ બાપાએ પોતાની પત્ની વીરબાઈ માતા સાથે વાત કરી.વીરબાઈ માતાએ પતિના સેવાભાવમાં સહભાગી બનતાં સહર્ષ સંમતિ આપી.જલારામ બાપાએ કોઈ સંકોચ રાખ્યા વિના વીરબાઈ માતાને સાધુની સેવા માટે તેમની સાથે મોકલ્યાં. થોડે દૂર ગયા પછી સાધુએ વીરબાઈ માતાને એક સ્થળે ઊભાં રહેવા કહ્યું અને પોતે આગળ ચાલ્યા ગયા. ઘણા સમય સુધી તેઓ પાછા ફર્યા નહીં એ જ સમયે આકાશવાણી થઈ કે આ કોઈ સામાન્ય સાધુ નહોતા પરંતુ સ્વયં ભગવાન શ્રીરામ હતા. તેમણે જલારામ બાપા અને વીરબાઈ માતાની નિઃસ્વાર્થ સેવા-ત્યાગ અને સમર્પણની પરીક્ષા લેવા આ લીલા રચી હતી. ભગવાને વીરબાઈ માતાને એક ઝોળી અને દંડો આપ્યાં હતાં,આ બંને વસ્તુઓ આજે પણ વીરપુરમાં દર્શન માટે સાચવી રાખવામાં આવી હોવાની પરંપરા છે. આ પરચો આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર મોઢેથી ભગવાનનું નામ લેવાથી નથી થતી પરંતુ પોતાના સુખ-સ્વાર્થ અને અહંકારનો ત્યાગ કરીને સેવા કરવામાં રહેલી છે.
રાજકોટના ઠાકોરની સેવામાં રહેલા ચાર આરબ મુસાફરો પગારવધારાની વાત ન સ્વીકારાતાં નોકરી છોડીને જૂનાગઢ તરફ જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમણે કેટલાક પક્ષીઓનો શિકાર કર્યો હતો અને તેમને પોતાની થેલીમાં રાખ્યા હતા. મુસાફરી દરમિયાન તેઓ વીરપુર પહોંચ્યા. જલારામ બાપાએ તેમને જોઈને પ્રેમથી ભોજન માટે આમંત્રણ આપ્યું.આરબ મુસાફરોએ કહ્યું કે અમે મુસલમાન છીએ, જ્યારે તમે હિંદુ છો તો પછી અમને ભોજન માટે કેમ આમંત્રણ આપો છો? બાપાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે પરમાત્માના દરબારમાં કોઈ હિંદુ કે મુસલમાન નથી,દરેક જીવમાં એક જ પરમાત્માનો અંશ રહેલો છે. અહીં સૌનું સ્વાગત છે, તેમણે મુસાફરોને ભોજન કરાવ્યું પરંતુ તેમની થેલીમાં મૃત પક્ષીઓ હોવાને કારણે તેઓ થોડા સંકોચમાં હતા. બાપાએ તેમની થેલી તરફ ધ્યાન દોરતાં કહ્યું કે તેમાં રહેલા પક્ષીઓ ગૂંગળાઈ રહ્યા છે. મુસાફરોએ થેલી ખોલીને જોયું તો તેમાં રહેલા પક્ષીઓ જીવંત થઈને બહાર ઊડી ગયા ! આ અદ્ભુત ઘટના જોઈને ચારેય મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા અને બાપાના ચરણોમાં નમી પડ્યા. આ જ સમયે રાજકોટના ઠાકોર તરફથી એક સંદેશવાહક ઊંટ લઈને ત્યાં આવ્યો અને ચારેય મુસાફરોને પાછા ફરવા વિનંતી કરી. તેમના પગારમાં વધારો મંજૂર થયો હોવાનો સંદેશો પણ આપ્યો.આ ઘટનાથી મુસાફરોને બાપાની દિવ્ય શક્તિનો પરિચય થયો અને તેઓ તેમની ભક્તિ કરવા લાગ્યા.આ પ્રસંગનો સંદેશ છે કે માનવતાનો ધર્મ સૌથી મોટો ધર્મ છે અને જીવદયા એ સાચી ભક્તિનો અભિન્ન ભાગ છે.
એક વખત હરજી દરજી પોતાના પિતાના પેટના અસહ્ય દુખાવાથી ખૂબ જ ચિંતિત હતા, અનેક ઉપાયો કર્યા છતાં તેમને રાહત મળતી નહોતી. કોઈએ તેમને જલારામ બાપાની ભક્તિ અને મહિમા વિશે જણાવ્યું આથી તેઓ વીરપુર પહોંચ્યા અને બાપાને પોતાના પિતાની તકલીફ જણાવી. બાપાએ ભગવાન શ્રીરામનું સ્મરણ કરીને તેમના પિતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી ત્યારબાદ તેમના પિતાનું પેટનું દર્દ દૂર થઈ ગયું.હરજી દરજી આ ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને બાપાના ચરણોમાં પડી ગયા, તેમણે ભાવવિભોર થઈને જલારામ બાપાને ’બાપા’ કહીને સંબોધ્યા ત્યારથી જલારામનું નામ ’જલારામ બાપા’ તરીકે વધુ પ્રસિદ્ધ થયું. આ પ્રસંગ આપણને શીખવે છે કે દુઃખી અને પીડિત વ્યક્તિને સહાનુભૂતિ આપવી, તેની મદદ કરવી અને તેના સુખાકારી માટે પ્રાર્થના કરવી એ પણ માનવસેવાનું એક મહત્વનું સ્વરૂપ છે.
જલારામ બાપાની માનવતા અને નિઃસ્વાર્થ સેવાની સુગંધ માત્ર હિંદુ સમાજ પૂરતી મર્યાદિત નહોતી. મુસ્લિમ સમાજના લોકો પણ તેમના પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા હતા. આવો જ એક પ્રસંગ જમાલ નામના મુસ્લિમ વેપારી સાથે જોડાયેલો છે. જમાલનો પુત્ર ગંભીર બીમારીથી પીડાતો હતો, અનેક વૈદ્યો-હકીમો અને ઉપચાર કરાવ્યા છતાં તેની તબિયતમાં સુધારો થતો નહોતો. આ સમયે હરજી દરજીએ જમાલને જલારામ બાપાના પરચા વિશે જણાવ્યું. જમાલે જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા રાખીને માનતા માની કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ સદાવ્રતમાં ૪૦ મણ અનાજ અર્પણ કરશે. થોડા સમય પછી જમાલનો પુત્ર સાજો થઈ ગયો આથી જમાલ ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાની માનતા પ્રમાણે ગાડામાં અનાજ ભરીને વીરપુર આવ્યા.તેમણે બાપા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું કે ’જલા સો અલ્લાહ !’ આ પ્રસંગ જલારામ બાપાની સર્વધર્મ સમભાવની ભાવનાનું સુંદર ઉદાહરણ છે. બાપા માટે ધર્મ કરતાં માનવતા મહત્વની હતી,તેમના માટે દરેક વ્યક્તિ પરમાત્માની સંતાન હતી.
ભગવાન શ્રીરામની મૂર્તિ અને હનુમાનજીના પ્રાગટ્યનો પરચો..જલારામ બાપાના જીવન સાથે જોડાયેલી બીજી એક લોકપ્રચલિત કથા ભગવાન શ્રીરામની મૂર્તિ અને હનુમાનજીના પ્રાગટ્યની છે. એક દિવસ એક સાધુ જલારામ બાપાના ઘરે પધાર્યા અને તેમને ભગવાન શ્રીરામની મૂર્તિ અર્પણ કરી.સાધુએ જણાવ્યું કે આ મૂર્તિની ભક્તિપૂર્વક સેવા કરજો અને થોડા સમયમાં અહીં હનુમાનજીનું પણ આગમન થશે. જલારામ બાપાએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રીરામની મૂર્તિની સ્થાપના કરી અને નિયમિત પૂજા-અર્ચના શરૂ કરી. ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ પ્રાપ્ત થવાનો પ્રસંગ બન્યો હોવાનું ભક્તપરંપરામાં વર્ણવાય છે ત્યારથી આ સ્થાન ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની ઉપાસનાનું પવિત્ર કેન્દ્ર બન્યું. આ પ્રસંગ બાપાની અખંડ રામભક્તિ અને ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધાનું પ્રતીક છે.
જલારામ બાપાના જીવનમાં વીરબાઈ માતાનું યોગદાન અત્યંત મહત્વનું હતું. સદાવ્રતની શરૂઆતમાં અનાજની વ્યવસ્થા કરવી, અનાજ દળવું, રોટલા બનાવવા, રસોઈ તૈયાર કરવી અને આવતા સાધુ-સંતો તથા જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જેવી તમામ જવાબદારીઓ વીરબાઈ માતા ખૂબ જ નિષ્ઠાથી નિભાવતાં હતાં. જ્યારે અન્નક્ષેત્રમાં અનાજની તંગી ઊભી થઈ ત્યારે વીરબાઈ માતાએ પોતાના લગ્નપ્રસંગે મળેલા સોનાનાં ઘરેણાં પણ અન્નસેવા માટે અર્પણ કરવાની તૈયારી દર્શાવી હતી. આ ઘટના દર્શાવે છે કે જલારામ બાપાની સેવામાં વીરબાઈ માતા માત્ર સહભાગી જ નહોતાં પરંતુ તેઓ પણ એટલાં જ ત્યાગી-સેવાભાવી અને સમર્પિત હતાં. બાપા અને વીરબાઈ માતાના સંયુક્ત સેવાકાર્યને કારણે વીરપુરનું સદાવ્રત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ બન્યું.
જલારામ બાપાના પરચાઓમાંથી મળતો આધ્યાત્મિક સંદેશઃજલારામ બાપાના જીવનના આ બધા પ્રસંગોનું ચિંતન કરીએ તો સમજાય છે કે તેમના જીવનનો મુખ્ય આધાર માત્ર ચમત્કાર નહોતો પરંતુ અખંડ ભક્તિ અને નિઃસ્વાર્થ માનવસેવા હતો.તેમના જીવનમાંથી આપણને નીચેની મહત્વપૂર્ણ શીખ મળે છે.અખંડ શ્રદ્ધા..ભગવાન શ્રીરામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખવી અને દરેક પરિસ્થિતિમાં પ્રભુનું સ્મરણ કરવું.અન્નદાનનું મહત્વ..ભૂખ્યા માનવીને ભોજન કરાવવું એ સૌથી ઉત્તમ સેવાકાર્યોમાંનું એક છે.સર્વધર્મ સમભાવ..જ્ઞાતિ-જાતિ-ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના દરેક માનવીને સમાન પ્રેમ અને આદર આપવો.જીવદયા..દરેક જીવમાં પરમાત્માનો અંશ જોઈને કોઈપણ જીવને દુઃખ ન પહોંચાડવું.ગુરૂભક્તિ..ગુરૂનાં વચનોમાં શ્રદ્ધા રાખીને જીવનને સદાચાર અને સેવામાર્ગૅ આગળ વધારવું.ત્યાગ અને સમર્પણ..પોતાના સુખ કરતાં બીજાના સુખને મહત્વ આપવું અને નિઃસ્વાર્થભાવે સેવા કરવી.અહંકારનો ત્યાગ..સેવા કરીને તેનો બદલો-પ્રસિદ્ધિ કે પ્રશંસાની અપેક્ષા ન રાખવી.
સંત શ્રી જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રીરામની ભક્તિ અને માનવતાની સેવામાં સમર્પિત કર્યું હતું, તેમણે ક્યારેય ધનસંપત્તિ-સત્તા કે પ્રસિદ્ધિની કામના રાખી નહોતી, તેમના માટે ભૂખ્યાને ભોજન કરાવવું, તરસ્યાને પાણી પાવું અને દુઃખીના આંસુ લૂછવા એ જ સાચી ઈશ્વરભક્તિ હતી. વીરપુરમાં તેમણે પ્રગટાવેલી સદાવ્રતની સેવાની જ્યોત આજે પણ અવિરત પ્રજ્વલિત છે, તેમની જીવનકથા અને પરચાઓ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાડે છે. જલારામ બાપાના જીવનનો એક મહાન સંદેશ છે કે ભગવાનની સાચી ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવાથી કે માળા ફેરવવાથી જ પૂર્ણ થતી નથી પરંતુ જ્યારે આપણે કોઈ ભૂખ્યા માનવીને ભોજન કરાવીએ છીએ,કોઈ દુઃખી વ્યક્તિને આશ્વાસન આપીએ છીએ અને કોઈ જરૂરિયાતમંદની નિઃસ્વાર્થ મદદ કરીએ છીએ ત્યારે આપણી ભક્તિ સાર્થક બને છે.
આપણે પણ જલારામ બાપાના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં સેવા, સમર્પણ, કરૂણા, પરોપકાર અને માનવતાના ગુણો કેળવીએ.ચાલો..આ જલારામ જયંતીએ સંકલ્પ કરીએ કે આપણા ઘરેથી કોઈ ભૂખ્યું ન જાય, આપણા હાથે કોઈનું અહિત ન થાય અને આપણા હૃદયમાંથી કોઈના માટે પ્રેમ તથા કરૂણાની ભાવના ક્યારેય ઓછી ન થાય. ’દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ’ના ભાવને જીવનમાં ઉતારીને માનવસેવાને જ પ્રભુસેવા માનીએ.

