Surat,તા.૨૩
ઝારખંડના પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ શ્રી સમ્મેદ શિખરજી (પારસનાથ) પાસે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરતના જૈન શ્રદ્ધાળુ દંપતીનાં કરુણ મોત નીપજતાં સમગ્ર જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે આ દુર્ઘટનામાં ૧૨થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતથી ગયેલા જૈન શ્રદ્ધાળુઓ શિખરજી તીર્થસ્થળની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ ટાટાનગર જવા રવાના થયા હતા. ત્યાંથી ટ્રેન મારફતે ગુજરાત પરત ફરવાનું આયોજન હતું. દરમિયાન રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં પારસનાથના શિખરજી તીર્થસ્થળ નજીક તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં સુરતના બાબૂલાલ વંશરાજ જૈન અને તેમની પત્ની બદામી દેવીનાં મોત નીપજ્યાં હતાં. યાત્રા પૂર્ણ કરીને ખુશી સાથે વતન પરત ફરી રહેલા દંપતીનો પ્રવાસ અધૂરો રહી જતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. અકસ્માતમાં ૧૨થી વધુ જૈન શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં મૃતક દંપતીના પરિવારજનો અને પરિચિતોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શિખરજી જૈન સમાજ માટે અત્યંત પવિત્ર અને આસ્થાનું મહત્ત્વ ધરાવતું તીર્થસ્થળ છે. ત્યાં દર્શન અને યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા સુરતના શ્રદ્ધાળુ દંપતીનાં અકસ્માતમાં મોતના સમાચારથી સુરતના જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. હાલ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓની સારવાર અને અન્ય વિગતો અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

