Ahmedabad, તા.૨૩
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બરે યોજાયેલા દિલજીત દોસાંઝનો કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકોના ફોન ચોરી થયા હતા. ભોગ બનનાર લોકોએ સ્ટેડિયમમાં ઊભા કરાયેલા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા મોટેરા પોલીસ અને ઝોન-૨ એલસીબીની ટીમોએ ત્વરિત એક્શનમાં આવીને ટેકનિકલ એનાલિસીસથી ફોનના લોકેશન શોધી કાઢ્યા હતા. જે બાદ ફોનની ચોરી કરીને સ્ટેડિયમની બહાર નીકળેલા બે ચોરને ઝડપી પાડી પોલીસે ૧૧ મોંઘાદાટ ફોન રિકવર કર્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ખાસ ફોનની ચોરી કરવા છ હજારની ટિકિટ લઇને દિલ્હીથી આવ્યા હોવાની હકીકત ખુલવા પામી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન મોબાઇલ ફોન ચોરી થવાની શક્યતાઓને લઇને કેટલીક ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેવામાં એક બાદ એક યુવાઓ તેમના ૫૦ હજારથી ૧.૨૫ લાખના ફોનની ચોરીની મૌખિક ફરિયાદ લઇને સ્ટેડિયમમાં ઊભા કરાયેલા કંટ્રોલરૂમમાં આવ્યા હતા. ત્યાં હાજર મોટેરા પોલીસ અને ઝોન-૨ એલસીબીની સ્ક્વોડે ત્વરિત વિગતો એકઠી કરીને ફોનના લોકેશન મેળવવા કવાયત હાથ ધરી હતી. કેટલાક ફોનના લોકેશન સ્ટેડિયમમાં અને સ્ટેડિયમની આસપાસમાં આવતા હોવાથી વિવિધ પોલીસકર્મીઓ ચોર સુધી પહોંચવા રવાના થયા હતા. આ દરમિયાનમાં સ્ટેડિયમ નજીકથી બે શંકાસ્પદ લોકો દેખાતા પોલીસ તેમને પકડવા જતા બંને શખ્સો ફોન ફેંકીને ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરીને દિલ્હીના મોહમદ અસદ ગુલજાર અને અશરફ હુસેન ઇદ્રીશીને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ૪.૩૦ લાખની મતાના ૧૧ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા દિલ્હીની આંતરરાજ્ય ગેંગના આ બે ચોર ખાસ છ હજારની કોન્સર્ટની ટિકિટ લઇને ટ્રેન મારફતે અમદાવાદ આવ્યા હોવાની હકીકત મળી હતી. આરોપીઓ ફોનની ચોરીને અંજામ આપવા આશરે ચારેક કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યા હતા અને મોકો જોઇને ચોરીને અંજામ આપ્યો હતો. બંને આરોપીઓ વિવિધ કોન્સર્ટમાં જઇને ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

