Gandhinagar,તા.24
જે રાજ્યમાં પાણીનું એક-એક ટીપું પાકનું ભવિષ્ય નક્કી કરે છે, ત્યાં હવે ગુજરાત સરકાર બચાવેલા પાણીને કમાણીના સાધનમાં ફેરવવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારે એક એવી ‘વોટર ક્રેડિટ’ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેના હેઠળ જળ સંરક્ષણની કામગીરી કરનારા ખેડૂતો, વ્યક્તિઓ અને અન્ય સંસ્થાઓ પોતાના પ્રયાસોથી જનરેટ થયેલી ક્રેડિટ વેચીને નાણાં કમાઈ શકશે.
આ સૂચિત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ (રેઇનવોટર હાર્વેસિં્ટગ), ભૂગર્ભજળ રિચાર્જ અને જળ સ્ત્રોતોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, બચાવેલા પાણીના દરેક માપી શકાય તેવા એકમનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનો આ વિચાર છે, જેથી ખેડૂતો અને અન્ય હિસ્સેદારોને પાણીની ઉપલબ્ધતા ઉપરાંત આવકનો એક વધારાનો સ્ત્રોત પણ મળી રહે.
બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક પાયલોટ અભ્યાસમાં આ યોજનાની સફળતાની શક્યતાઓ દેખાઈ છે. ડીસા, ધાનેરા અને લાખણી તાલુકાના 35 ગામોમાં આવેલા 109 ખેતતલાવડીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ તલાવડીઓની કુલ વરસાદી પાણી સંગ્રહવાની ક્ષમતા અંદાજે 400 મિલિયન લિટર છે, જેમાંથી 70 ટકા તલાવડીઓમાં જીઓમેમ્બે્રન લાઇનિંગ અને 30 ટકામાં માટી-સિમેન્ટનું લાઇનિંગ છે, જેનાથી ભૂગર્ભજળ પણ રિચાર્જ થાય છે.
પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ, 2021-22ના સમયગાળા દરમિયાન આ પ્રોજેક્ટ દ્વારા 1,30,678 રેઇનવોટર ઓફસેટ યુનિટ્સ (RoUs) જનરેટ થયા હતા, આ ક્રેડિટનું માપન યુનિવર્સલ વોટર રજિસ્ટ્રીના રેઇનવોટર ઓફસેટ યુનિટ (RoU) ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવ્યું હતું. જ્યાં દરેક યુનિટ 1,000 લિટર બચાવેલા પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.
નવી વ્યવસ્થા હેઠળ જળ સંરક્ષણના પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન અને સ્વતંત્ર ચકાસણી કર્યા બાદ ક્રેડિટ ઈશ્યુ કરવામાં આવશે, જેને ખરીદદારોને વેચીને મળતી આવક સીધી પ્રોજેક્ટના માલિકોને મળશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 2023માં વોટર ક્રેડિટ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ અત્યાર સુધી માત્ર પાયલોટ પ્રોજેક્ટ જ હાથ ધરાયો છે. નિષ્ણાતોના મતે, વોટર ક્રેડિટમાંથી થતી આવકને કારણે રાજ્યમાં વધુને વધુ નાના ખેતતલાવડીઓ, રિચાર્જ કૂવા અને શોષખાડા બનાવવા માટે લોકો પ્રોત્સાહિત થશે, જેનાથી જળ સંરક્ષણ આર્થિક રીતે પણ ફાયદાકારક બનશે.

