New Delhi, તા. 24
વિનાયક દામોદર સાવરકરના પૌત્રના ભત્રીજા સત્યકી સાવરકરે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમની બુક ’બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’માં સાવરકર અંગેની ટિપ્પણીઓ મુદ્દે કાનૂની નોટિસ પાઠવી 15 દિવસમાં બિનશરતી માફી અને સુધારાની માંગ કરી છે.
નોટિસમાં બુકના પાના 201 પર દયા અરજીઓ અને અંગ્રેજો સાથે માહિતીદાતા તરીકે સાંઠગાંઠના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવી જણાવાયું છે કે ઐતિહાસિક સંદર્ભ વિના આ નિવેદન સાવરકરની ખોટી છાપ ઊભી કરે છે.
આ ઉપરાંત પાના 443 પર હિન્દુત્વ વિચારધારા અંગેના નિવેદનને પણ તેમના દર્શનની ખોટી રજૂઆત ગણાવી છે, અને ઈન્દિરા ગાંધી દ્વારા સાવરકરના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવા તથા રૂ.11,000ના યોગદાનનો હવાલો આપી આ નિવેદનોની સુસંગતતા પર સવાલ ઉઠાવ્યો છે.
અંતે, સોનિયા ગાંધીને લેખિત માફી, જાહેર સ્પષ્ટતા અને પ્રકાશકના પરામર્શમાં આગામી સંસ્કરણોમાંથી વાંધાજનક ભાગો સુધારવા કે પાછા ખેંચવા જણાવાયું છે, અન્યથા કાનૂની કાર્યવાહીની ચેતવણી અપાઈ છે.

