Washington,તા.26
અમેરિકામાં જન્મ લેનારા બાળકોને મળતી જન્મજાત નાગરિકતાના નિયમોમાં ફેરફાર કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક પ્રયાસને કોર્ટે ઝટકો આપ્યો છે. વોશિંગ્ટનની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનના નવા કાર્યકારી આદેશ પર રોક લગાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ પોતાની મરજીથી અમેરિકી બંધારણમાં અપાયેલા નાગરિકતાના અધિકારમાં નવી શરતો જોડી શકે નહીં.
‘નાથન વિરુદ્ધ ટ્રમ્પ’ તરીકે જાણીતા આ કેસમાં અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) તથા અન્ય સંગઠનોએ અસરગ્રસ્ત પરિવારો વતી ૨૮ સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સરોગસી અને વિદેશી દૂતાવાસના કર્મચારીઓના બાળકોને નિશાન બનાવાયા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના નાગરિકતા સંબંધિત જૂના આદેશ પર રોક લગાવી હતી, ત્યારબાદ ટ્રમ્પે ૬ ઓગસ્ટના રોજ એક નવો આદેશ જારી કરીને અન્ય કેટલીક શ્રેણીના બાળકોને નાગરિકતાના દાયરામાંથી બહાર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
આ નવા આદેશમાં એવા બાળકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમના માતા-પિતામાંથી કોઈ પણ અમેરિકી નાગરિક નથી. તેમાં દુશ્મન દેશના નાગરિક ગણાવાયેલા માતા-પિતા, વિદેશી સરકારો અને દૂતાવાસો-વાણિજ્ય દૂતાવાસોમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અમેરિકામાં બાળકને જન્મ આપીને નાગરિકતા મેળવવા માંગતા લોકો તેમજ પૈસા ચૂકવીને ‘વ્યાવસાયિક સરોગસી’ દ્વારા અમેરિકામાં બાળકને જન્મ અપાવતા પરિવારોના બાળકોની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ કરાઈ હતી.
બુધવારે આવેલા ચુકાદામાં કોર્ટે ટ્રમ્પ પ્રશાસનની તમામ દલીલોને ફગાવી દીધી હતી. ACLU ના જણાવ્યા મુજબ, કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ અમેરિકામાં જન્મેલા બાળકો માટે પોતાની રીતે નાગરિકતાના નવા અપવાદો ઊભા કરી શકે નહીં અને માત્ર માતા-પિતાની નાગરિકતા કે સ્થિતિના આધારે બાળકોને તેમના બંધારણીય અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
આ કાનૂની લડતમાં ACLU ની સાથે એશિયન લો કોકસ, NAACP લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશનલ ફંડ અને ડેમોક્રેસી ડિફેન્ડર્સ ફંડ જેવા પ્રતિષ્ઠિત સંગઠનો પણ જોડાયા હતા.

