Washington, તા.26
મિડટર્મ ઈલેક્શનમાં થયેલી ભૂંડી હાર માટે ટ્રમ્પને જવાબદાર ગણવા કે નહીં તેને લઈને રિપબ્લિકન પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે તેવામાં ટ્રમ્પની વધુ એક મનમાનીને કારણે રિપબ્લિકન પાર્ટીના નેતાઓ તેમની સામે બાંયો ચઢાવી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર એનવિડિયાના CEO તરીકે જેનસેન હુઆંગની બહાલી કરવા માટે વ્હાઈટ હાઉસે પ્રેશર કર્યું હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસનલ રિપબ્લિક્નસને ટ્રમ્પની આ મનમાની જરાય પસંદ નથી આવી.
અમેરિકાનું સ્ટોક માર્કેટ હાલ AI કંપનીઓના જોરે રેકોર્ડ સ્તર પર છે અને ટ્રમ્પ શેરબજારને ઈકોનોમીની હાલત દર્શાવતું બેરોમીટર માને છે. એનવિડિયાના પ્રકરણ બાદ યુએસના શેરબજારમાં જોરદાર ધોવાણ થયું હતું અને AI બબલ ગમે ત્યારે ફુટશે તેવી અટકળો પણ જોર પકડ્યું હતું.
જોકે, હુઆંગની વાપસી બાદ એનવિડિયા સહિતની કંપનીઓના શેર્સ ફરી વધ્યા છે. ટ્રમ્પ ખુદ AI અને ડેટા સેન્ટર્સના તરફદાર રહ્યા છે અને મિડટર્મમાં થયેલા ફિયાસ્કો બાદ શેરબજાર પણ ઉંધા માથે પછડાય તે તેમને પોસાય તેમ નહોતું.
આ જ કારણે તેમણે અંગત રસ લઈને જેનસેન હુઆંગની બહાલી સુનિશ્ચિત કરી હતી પરંતુ હવે તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓએ આ બાબતે તેમની સામે મોરચો ખોલ્યો છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર પ્રેસિડેન્ટના આ નિર્ણયને અમુક રિપબ્લિકન સાંસદો દ્વારા સ્ક્રુટિનાઈઝ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. હુઆંગ ચીન સાથે જે રીતે ડીલ કરી રહ્યા હતા તેના કારણે તેઓ ઘણા રિપબ્લિક્નસની નજરમાં પહેલાથી જ હતા.
તેવામાં ચાઈનીઝ જાસૂસ સાથેના તેમના લફડાંનો ભાંડો ફુટી ગયા બાદ તેમને એનવિડિયામાંથી હાંકી કઢાયા બાદ પણ તેમનું કમબેક કરાવવામાં ટ્રમ્પે ભજવેલી ભૂમિકાને કારણે ટ્રમ્પની ખુદની પાર્ટીમાં સર્જાયેલો વિખવાદ હવે ખૂલીને બહાર આવી ગયો છે.
વ્હાઈટ હાઉસનો એવો દાવો છે કે, અમેરિકાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા હુઆંગને ફરી એનવિડિયામાં લાવવાનો નિર્ણય કરાયો છે. જોકે, અમુક રિપબ્લિક્નસ આ તર્ક સાથે સહમત નથી.
ટોમ કોટન જેવા રિપબ્લિકન સેનેટરનું તો ત્યાં સુધી કહેવું છે કે એનવિડિયા સાથે સંકળાયેલો વિવાદ હિમશિલાની ટોચ માત્ર છે અને હુઆંગને ફરી તેમના પદ પર બેસાડી દેવાથી તેનો ઉકેલ નથી આવી જવાનો.

