New Delhi તા.26
ભારતીય બંધારણ દિવસની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અવસરે દેશવાસીઓને શુભકામનાઓ આપવાની સાથોસાથ બંધારણનાં ઘડવૈયા ડો.આંબેડકરને નમન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની શુભકામના પાઠવવા સાથે બંધારણને ભારતીય લોકશાહીને અમુલ્ય વિરાસત ગણાવ્યું હતું.આ તકે તેઓએ ડો.બાબાસાહેબ આંબેડકર તથા સંવિધાન સભાના અન્ય સભ્યોના નમન કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
સોશ્યલ મિડિયા એકસ પર પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતીય બંધારણ એક વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશને માર્ગદર્શન આપતુ રહેશે. આ અવસરને તેઓએ બંધારણનાં ઘડવૈયાઓનું સન્માન કરવાની તક ગણાવી હતી અને તેના મુલ્યોને મજબુત કરવાની દેશની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.
વડાપ્રધાન મોદીએ વીડીયો પોસ્ટમાં સંસ્કૃતનાં શ્લોક વર્ણવ્યા હતા.ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરે છે. આ દિવસે 1949 માં સંવિધાન (બંધારણ) સભા દ્વારા બંધારણની સ્વીકૃતિને દર્શાવે છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યુ હતું અને તેના આધારે ભારત લોકશાહી રૂપે સ્થાપિત થયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત નીતીન ગડકરી સહીતના રાજકીય નેતાઓ-આગેવાનો દ્વારા બંધારણ દિવસની શુભેચ્છા પાઠવીને બંધારણના ઘડવૈયાઓને નમન કર્યા હતા.

