Washington,તા.26
અમેરિકાની ફેડરલ જ્યુરીએ ચીનની ટેલિકોમ કંપની હુઆવેઇ ટેક્નોલોજીસ અને તેની ત્રણ સહાયક કંપનીઓને બેંક ફ્રોડ, વાયર ફ્રોડ, મની લોન્ડરિંગ, ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન અને અમેરિકન કંપનીઓની ટ્રેડ સિક્રેટ્સ ચોરવાના કેસમાં દોષિત ઠેરવી છે. ન્યૂયોર્કના બ્રુકલિનમાં 12 સપ્તાહ સુધી ચાલેલી સુનાવણી બાદ 24 નવેમ્બરે આ ચુકાદો આવ્યો હતો.
અમેરિકન કંપનીઓની ટેક્નોલોજીની ચોરી
કોર્ટમાં સાબિત થયેલા આરોપો અનુસાર, હુઆવેઇએ અમેરિકાની વિવિધ કંપનીઓ પાસેથી ગુપ્ત ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપત્તિ મેળવવા માટે લાંબા સમય સુધી પ્રયાસો કર્યા હતા. તેમાં ઇન્ટરનેટ રાઉટરના સોર્સ કોડ, યુઝર મેન્યુઅલ, એન્ટેના ટેક્નોલોજી અને રોબોટ ટેસ્ટિંગ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. T-Mobileના ’ટેપ્પી’ નામના ટેસ્ટિંગ રોબોટની ટેક્નોલોજી મેળવવાનો પ્રયાસ પણ કેસમાં સામે આવ્યો હતો.
ઈરાન સાથેના વેપાર અંગે બેંકોને ખોટી માહિતી :
અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, હુઆવેઇએ ’સ્કાયકોમ’ નામની કંપની મારફતે ઈરાનમાં વેપાર કર્યો હતો અને પોતાની કામગીરી તથા ઈરાન સાથેના સંબંધો અંગે બેંકો અને અમેરિકી સરકારને ખોટી માહિતી આપી હતી. આ રીતે કંપનીએ બેંકો પાસેથી અબજો ડોલરની ક્રેડિટ અને લોન મેળવી તથા અમેરિકી ડોલરમાં નાણાકીય વ્યવહારોની સુવિધા મેળવી હતી. ઈરાનમાં ઇન્ટરનેટ નેટવર્ક, મોબાઇલ સેવાઓ અને સર્વેલન્સ કેમેરા પૂરા પાડવાના આરોપો પણ કેસમાં સામેલ હતા.
રેકેટિયરિંગના આરોપમાંથી મુક્તિ, 2027માં સજા :
જ્યુરીએ હુઆવેઇને મોટાભાગના આરોપોમાં દોષિત ઠેરવી હતી, પરંતુ રેકેટિયરિંગ કાવતરાના ગંભીર આરોપમાંથી મુક્ત કરી હતી. કંપનીએ ચુકાદા બાદ જણાવ્યું કે તે રેકેટિયરિંગના આરોપમાંથી મુક્તિને આવકારે છે અને બાકીના આરોપોને પણ કાયદાકીય તથા તથ્યાત્મક આધાર વિનાના ગણાવે છે. કંપનીએ ચુકાદા સામે અપીલ કરવાની તૈયારી દર્શાવી છે.

