New Delhi,તા.12
ગત સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટસમાં હવે એક મહત્વપૂર્ણ સીસીટીવી ફુટેજ બહાર આવ્યો. જેમાં 3.52 કલાકના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફુટેજ 6.51થી 1 મીનીટના છે. જે કારમાં વિસ્ફોટકો હતો તે પાર્કીંગમાંથી રવાના થયા બાદ 6.52 મીનીટે સિગ્નલ પાસે પહોંચીને તુર્તજ શક્તિશાળી વિસ્ફોટ થતો જોઈ શકાય છે અને તે સાથે સીસીટીવી કેમેરાના પણ કચ્ચરઘાણ નીકળી જતા સ્ક્રીન બ્લેક થઈ જાય છે.
અત્યાર સુધી કુલ 8 મૃતદેહ ઓળખાય છે અને હવે જે બચ્યા છે તેમાં આત્મઘાતી હુમલાખોર ડો. ઉમર હોવાનું માનવામાં આવે છે. દિલ્હી પોલીસે એડવાઈઝરીમાં જેઓ આ ઘટના સમયે હાજર હોવાની શકયતા છે અને જેઓ `ગુમ’ છે તેના કુટુંબીજનોને પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
ઈજાગ્રસ્તોની તમામની ઓળખ થઈ છે. આ બ્લાસ્ટ સમયે ભોગ બનનારના મૃતદેહના કટકા 100 મીટર સુધી ઉડયા હતા. આમ હવે પોલીસને કારમાં બ્લાસ્ટસ કરનાર ઉમરની ઓળખ સમયે તેના કુટુંબીના ડીએનએ સાથે મેચ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટનગર દિલ્હીમાં સોમવારે સાંજે લાલકિલ્લા નજીક પ્રચંડ કાર બ્લાસ્ટ થયો હતો. તેમાં 12 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ આતંકી હુમલાનો જ ભાગ હોવાનું સ્પષ્ટ થયા બાદ સરકાર પણ ખળભળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભૂતાન પ્રવાસેથી પરત ફરતાની સાથે જ હોસ્પીટલમાં ઈજાગ્રસ્તોને મળવા પહોંચી ગયા હતા.

