Chennai,તા.2
વાવાઝોડું દિત્વાહના ખતરાને ધ્યાનમાં રાખીને તમિલનાડુનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. ભારે વરસાદને પગલે તમિલનાડુના ત્રણ જિલ્લાઓ ચેન્નાઈ, તિરુવલ્લૂર અને કાંચીપુરમમાં સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રશાસને લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ન કરવા અને રાજ્ય સરકાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા જારી કરાયેલ સલાહનું પાલન કરવા વિનંતી કરી છે. તમિલનાડુમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયાની માહિતી રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર કેકેએસએસઆર રામચંદ્રને આપી છે.
શ્રીલંકામાં ભયંકર તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું દિત્વાહ હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં આ ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં 334 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. શ્રીલંકામાં ભારે નુકસાન થયું છે અને કોલંબોના કેટલાક ભાગો હજુ પણ પૂરનો સામનો કરી રહ્યા છે.
આ નુકસાનને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી અને દિત્વાહથી થયેલા નુકસાન પર દરેક સંભવિત મદદ આપવાનો ભરોસો આપ્યો હતો.
ભારતે વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને શ્રીલંકાને તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ અને માનવતાવાદી સહાયતા તથા આપત્તિ રાહત મદદ પૂરી પાડવા માટે 28 નવેમ્બરના રોજ ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતે શ્રીલંકાને 53 ટન રાહત સામગ્રી મોકલી છે.
ભારતીય નૌસેનાના INS વિક્રાંતના ચેતક હેલિકોપ્ટરો અને ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરોએ શ્રીલંકાની વાયુસેના સાથે મળીને મોટા પાયે બચાવ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનમાં ગર્ભવતી મહિલાઓ, બાળકો અને ગંભીર રીતે ઘાયલ લોકો સહિત ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
બચાવ કામગીરીની વ્યાપકતા જોતા, માત્ર શ્રીલંકાના જ નહીં પરંતુ અનેક દેશોના નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. બચાવવામાં આવેલા નાગરિકોમાં શ્રીલંકા, ભારત, જર્મની, સ્લોવેનિયા, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ, બેલાસ, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ થાય છે. ચક્રવાત દિત્વાહને કારણે શ્રીલંકામાં ફસાયેલા ભારતીય નાગરિકોને પણ ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ દ્વારા તિરુવનંતપુરમ લાવવામાં આવ્યા હતા.

