Guwahati,તા.૧૩
ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગની ઘટના સામે આવી છે જેના કારણે ક્રિકેટ જગત શરમજનક સ્થિતિમાં મુકાયું છે. અગાઉ પણ આવા ઘણા મેચ ફિક્સિંગ સાથે જોડાયેલા કાંડ સામે આવ્યા છે, જેને લીધે દેશમાં આ ખેલની છબી પર ડાઘ લાગ્યા છે. ત્યારે હવે દેશની મુખ્ય સ્થાનિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૫ દરમિયાન મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે ચાર ખેલાડીઓ સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવી છે.
માહિતી પ્રમાણે, આસામ ક્રિકેટ એસોસિએશને તેના પોતાના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ખેલાડીઓ પર આરોપ છે કે તેમણે વર્તમાન આસામ ટીમના સભ્યોને ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે ઉશ્કેર્યા. એવો આરોપ છે કે આ પ્રયાસો ૨૬ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૫ની મેચો દરમિયાન થયા, જેમાં આસામ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. જણાવી દઈએ કે બીસીસીઆઇસચિવ દેબજીત સૈકિયા આસામ ક્રિકેટનો જ હિસ્સો છે.
આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ સનાતન દાસે મીડિયાને જણાવ્યું કે ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ચાર ખેલાડીઓના નામ છે – અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુર. આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ સનાતન દાસે જણાવ્યું કે આ ચાર ખેલાડીઓ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સંબંધિત ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. આ કેસ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૫નો છે. આસામ ક્રિકેટ એસોસિએશને ડિસેમ્બરે એક પ્રેસ રીલીઝ જારી કરીને ખુલાસો કર્યો છે. અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરને કોઈ પણ પ્રકારની ક્રિકેટમાં ભાગ લેવાથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ચારેય ખેલાડીઓ અલગ-અલગ સ્તર પર આસામ માટે રમી ચુક્યા છે.એસીએના સચિવ સનાતન દાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ ચારેય ખેલાડીઓ પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૫માં આસામ માટે રમેલા કેટલાક ખેલાડીઓને પ્રભાવિત કરવાનો અને ઉશ્કેરવાનો આરોપ છે.આસામ ક્રિકેટ એસોસિએશને પોતાના નિવેદનમાં જણાવ્યું કે “આરોપ સામે આવ્યા પછી બીસીસીઆઇના એન્ટી કરપ્શન અને સિક્યોરિટી યુનિટે તેની તપાસ કરી.એસીએ એ પણ અપરાધિક તપાસ શરૂ કરી. પ્રથમ દ્રષ્ટિએ ગંભીર આરોપોમાં તેમની સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જેનાથી રમતની અખંડિતતા પર અસર થઈ છે… આને પરિણામે, પરિસ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.”
એસીએએ જણાવ્યું હતું કે તેણે મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ચાર ખેલાડીઓ વિરુદ્ધ ગુવાહાટીની ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઇઆર પણ નોંધાવી દીધી છે.એસીએએ ચારેયને સમગ્ર રાજ્યમાં કોઈપણ સ્તરની ક્રિકેટ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય અને તેમને ક્લીન ચીટ ન આપવામાં આવે ત્યાં સુધી, તેમાંથી કોઈ પણ રાજ્યમાં કોઈપણ સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. એસોસિએશને આ અંગે તમામ જિલ્લા ક્રિકેટ સંસ્થાઓને જાણ કરી દીધી છે. જોકે, હાલમાં તે સ્પષ્ટ નથી કે તેઓ કોઈપણ ખેલાડીઓ કે મેચોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા કે નહીં.આ કેસમાં સૌથી ચોંકાવનારું નામ અભિષેક ઠાકુરનું છે, જે મુશ્તાક અલી ટ્રોફી શરૂ થયાના થોડા દિવસો પહેલા જ રણજી ટ્રોફીમાં આસામ માટે રમી રહ્યો હતો. આ ઓપનરે સર્વિસિસ અને ત્રિપુરા સામેની મેચોમાં ભાગ લીધો હતો.આ મેચોમાં ઠાકુરના પ્રદર્શનની પણ તપાસ ચાલી રહી છે કે કેમ? ગયા વર્ષે પણ ઠાકુરે વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં રમી હતી. જયારે અમિત સિંહાએ ૨૦૨૧માં મુશ્તાક અલી ટ્રોફીમાં મેચ રમી હતી.

