ચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર ૨૭-૩૦ ટકા જ રહ્યો
Ahmedabad,, તા.૧૩
જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જોઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે, તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા ૩૬ મહિનામાં તસ્કરોએ ૧૦૬૯ કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યો છે. જેની સામે પોલીસ માત્ર ૨૨૧ કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે. ૭૮૭ કરોડ રૂપિયાનો કોઈ અતોપત્તો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટે જ સલામત ગુજરાતનો ફુગ્ગો ફોડ્યો છે.જો તમારા ઘરેથી ૧૦૦ રૂપિયાની ચોરી થાય, તો પોલીસ માંડ ૨૭ રૂપિયા શોધી લાવવાની ‘ગેરંટી આપે છે! નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છેકે, વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં કુલ મળીને ૩૦૦.૩ કરોડ રૂપિયાની તસ્કરોએ ચોરી કરી હતી. પોલીસે બધી શોધખોળ કરતાં માત્ર ૯૦.૨ કરોડ રૂપિયા માલમત્તા પરત મેળવી શકાઇ હતી. આ જ પ્રમાણે, વર્ષ ૨૦૨૩માં તસ્કરોને મોકળુ મેદાન મળ્યુ હોય તેમ ૪૨૩.૩ કરોડ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં ૯૮.૧ કરોડ રૂપિયાની મત્તા પાછી મેળવી શકાઈ હતી. વર્ષ ૨૦૨૪માં ચોરોએ ૩૪૬ કરોડ રૂપિયાની માલમતા પર હાથફેરો કર્યો હતો. પોલીસ માત્ર ૯૪.૨ કરોડ રૂપિયા રોકડ-વસ્તુઓ પરત મેળવી શકી હતી. ટૂંકમાં, ચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર ૨૭-૩૦ ટકા જ રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, ૭૦%થી વધુ રકમ પાછી મળવાની હવે કોઈ આશા બચી નથી. સલામત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. ત્યારે ત્યારે ગુજરાતની નિર્દોષ જનતાના ૭૮૭ કરોડ રૂપિયાને હજુ પોલીસ શોધી શકી નથી. ગુજરાતમાં ચોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. તસ્કરો કર્યાં છે. માટે ગુજરાત જાણે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યુ છે આમ છતાંય સરકાર એક જ રટણ રટી રહી છેકે, ઓલ ઈઝ વેલ. વાસ્તવમાં નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાએ જ પોલીસ ઇન્વેસ્ટીગેશન સામે સવાલ ઉભા કર્યા છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ પોલીસ જાણે તસ્કરો સામે લાચાર અને બેબસ હોય તેવું લોકો અનુભવી રહ્યાં છે. આ કારણોસર જ ચોરીની રકમ પરત મેળવવામાં ખાખી વર્દી જાણે નિષ્ફળ નિવડી રહી છે.

